મોરબી : મોરબીમાં લોકડાઉનની ચુસ્તપણે અમલવારી થાય તે માટે શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક જવાનો કાર્યરત છે. તેઓ રાત-દિવસ જોયા વિના જીવના જોખમે અને પોતાના પરિવારની પરવાહ કર્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક જવાનોએ શ્રમિકને ખોવાયેલો થેલો શોધી આપીને માનવતા મહેકાવી છે. વતન વાપસી કરતા એક શ્રમિકનો થેલો રિક્ષામાં ભુલાય ગયેલ હતો. આથી, આ વાતની જાણ ત્યાં તૈનાત શ્રમીકે ટ્રાફિક જવાનોને કરી હતી. શ્રમિકની વાત સાંભળી ટ્રાફિક જવાન જીગ્નેશભાઈ ગઢવી (લાંબા), સંદિપ જોશી સહિતના ફરજ પરના અધિકારીઓએ શોધખોળ આદરી હતી. ત્યારે ટ્રાફિક જવાનોએ સીસીટીવી કેમેરાની મદદથી શ્રમિકનો થેલો શોધી પરત અપાવ્યો હતો. આમ, ટ્રાફિક જવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.