ઉમેદવારીપત્ર ભરવા સમયે સોશિયલ ડિસ્ટન્સ સહિતની નિયમોના ધજાગરા મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે રાજકીયપક્ષ અપક્ષ સહિતના ચૂંટણી લડવૈયાઓ ફોર્મ ભરવા ઉમટી પડતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ ઉમેદવારો અને ટેકેદારોએ કોરાના અને તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી કોવિડ ગાઈડ લાઈન અને ચૂંટણીપંચના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું અને તંત્રએ મૂંગા મોઢે તમાશો નિહાળ્યો હતો. મોરબી નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની આગામી તા.28ના રોજ યોજાનાર ચૂંટણી માટે ફોર્મ રજૂ કરવાના અંતિમ દિવસે આજે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પ્રાંત કચેરી, તાલુકા પંચાયત સહિતના સ્થળોએ ઉમેદવારો અને ટેકોદારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને જાહેર માર્ગ ઉપર વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિકજામ સર્જાયો હતો. આજે મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે નામાંકન પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.આથી છેલ્લા દિવસે નામાંકન પત્રો ભરવા માટેબાકી રહી જનાર મોટાભાગના ઉમેદવારોએ તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને તાલુકા સેવાસદન ખાતે લાઈનો લગાવી હતી. મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને આવતા અને જ્યાં જગ્યાએ મળે ત્યાં આડેધડ વાહન પાર્કિગ કર્યું હતું. આથી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને તાલુકા સેવાસદન ખાતે મોટી સંખ્યામાં વાહનોના થપ્પા લાગ્યા હતા. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. નોંધનીય છે કે, કોવિડ ગાઈડલાઈનને ધ્યાને લઈ ચૂંટણીપંચ દ્વારા પણ ફોર્મ રજૂ કરવાથી લઈ અન્ય બાબતો માટે આકરા નિયમો ઘડ્યા છે. પરંતુ, આજે તમામ સ્થળોએ નિયમોનો ભંગ થયો હતો અને તંત્રએ પણ મૂંગા મોઢે તમાશો નિહાળ્યો હતો.