મોરબી : સમગ્ર રાજ્ય સહીત મોરબીમાં આવતીકાલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૧૮ થી ૫૯ વર્ષના વય જૂથના નાગરીકોને વિનામુલ્યે કોવિડ વેક્સિન પ્રિકોશન ડોઝ અપાશે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતુ કે, રાજ્યમાં ૧૮ થી ૫૯ વર્ષના વય જૂથના નાગરિકોને વિનામૂલ્યે કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ અપાશે. આવતીકાલ તા.૧૫મીથી ૧૮ થી ૫૯ વર્ષ વય જૂથના નાગરિકોને તમામ જિલ્લા અને કોર્પોરેશન ખાતેના સરકારી કોવિડ રસીકરણ કેંદ્રો પર વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેંદ્રો પર ૧૫મી જુલાઇ, ૨૦૨૨થી શરૂ કરી ૭૫ દિવસ સુધી રસી આપવામાં આવશે. ૧૮ થી ૫૯ વર્ષ વયજૂથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ કરી ચૂક્યા છે, તેવા તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઈ શકશે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતુ કે, હાલ રાજ્યમાં ૧૮ થી ૫૯ વર્ષની વયજૂથ ધરાવતા ૩.૫૦ કરોડથી વધુ નાગરિકોને પ્રિકોશન ડોઝ અપાશે. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આ તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપીને ભારત સરકાર દ્વારા ગુજરાતની જનતાને રૂ. ૭૦૦ કરોડથી વધુની ભેટ અપાશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. ભારત સરકારની સૂચના પ્રમાણે વિવિધ તબક્કામાં રાજ્યમાં અલગ અલગ વય જૂથના નાગરીકોને કોવિડ-૧૯ રસી આપવામાં આવી છે.