સુરજબાગ, કેસરબાગ, શંકર આશ્રમ અને રાણીબાગ નવા રંગરૂપમાં બનશે સજ્જઅન્ય બે ગાર્ડનોમાં મોહન બાગની કામગીરી હાલચાલુ, જન કલ્યાણ ગાર્ડનનો વર્ક ઓર્ડર આપી દેવાયોમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને પર્યાવરણના જતન માટે ગત વર્ષથી વિવિધ વિસ્તારોમાં સુંદર બગીચાઓ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરને આગામી ચાર મહિનામાં હરવા ફરવા માટે ચાર બગીચાઓ મળવાના છે. આ ઉપરાંત વધારાના બે બગીચાઓનું કામ પણ આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર છે.મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીના જણાવ્યા અનુસાર શહેરમાં સૂરજ બાગ, કેસર બાગ, શંકર આશ્રમ, રાણી બાગના પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે. આગામી ચાર મહીનામાં આ 4 બગીચાઓ મોરબીને મળવાના છે. કેસર બાગનું રૂ.3.49 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. આ બગીચાનું કામ 15 ડિસેમ્બરથી શરૂ થયુ હતું. જે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જ્યારે શંકર આશ્રમ ગાર્ડનનું રૂ.2.48 કરોડના ખર્ચે કામ હાથ ધરાયુ છે. નદી કાંઠે આહલાદક વાતાવરણ વચ્ચે આ બગીચો ડેવલપ થઈ રહ્યો છે. જેમાં ખાસ યોગા અને ગઝેબો જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ ગાર્ડનનું કામ પણ તા.31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.મણિમંદિર ખાતે પણ રૂ. 2.65 કરોડના ખર્ચે રાણી બાગ ડેવલપ થઈ રહ્યો છે. આ ગાર્ડનમાં જાહેર જનતા માટે ફૂડ કોર્ટ સહિતની સુંદર વ્યવસ્થા હશે. મે મહિનામાં શરૂ થયેલું આ કામ જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થાય તેવું આયોજન છે. જ્યારે સૂરજ બાગનું રૂ. 2.13 કરોડના ખર્ચે કામ પૂર્ણ થઈ ગયું છે અને હાલ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 2 ઓક્ટોબરના રોજ તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. વધુમાં રૂ.1.2 કરોડના ખર્ચે બનેલ સરદાર બાગ બનીને જાહેર જનતાના લાભાર્થે ખુલ્લો મુકાઈ ગયો છે. હાલ તેનું મેન્ટેનન્સ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અન્ય બે ગાર્ડન મોહન બાગની કામગીરી ચાલુ છે અને જન કલ્યાણ ગાર્ડનનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.ભડિયાદમાં બનશે ઓક્સિજન પાર્ક : 2 ઓક્ટોબરે ખાતમુહૂર્તની તૈયારીમ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર ભડિયાદ ખાતે 6.5 હેક્ટર એટલે કે 65000 સ્ક્વેર મીટરની જગ્યામાં એક ઓક્સિજન પાર્ક એટલે કે મિયાવાકી ફોરેસ્ટ બનાવવાનું આયોજન છે. આ કામ માટે હવે વર્ક ઓર્ડર તૈયાર થશે. આગામી તા. 2 ઓક્ટોબરનો જો મંત્રીનો સમય મળે તો તેમના અને પદાધિકારીના હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવશે. ત્યાં 2.5 લાખ મિયાવાકી વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. ભડિયાદ ખાતે ફેક્ટરી કે ઔદ્યોગિક એકમોને લીધે જે હવા પ્રદૂષણ થાય, તેવામાં આ ઓક્સિજન પાર્ક વાતાવરણ શુદ્ધ કરશે.