બે શખ્સોએ તેમના સાથીદારો સાથે મળીને ચોરાઉ માલ હળવદના ટિકર ગામે રહેતા શખ્સને રાખવા આપ્યો હોવાનું ખુલ્યું, પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો મોરબી : મોરબી નજીક શક્તિ ચેમ્બરની પાછળ આવેલી ઓફિસમાંથી અજાણ્યા શખ્સો રૂ.75800ના મુદામાલની ચોરી કરી ગયાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે બી ડિવિઝન પોલીસે તપાસ આદરીને ચોરી કરનાર બે શખ્સોને પકડી પાડ્યા છે. આ ઉપરાંત તમામ ચોરાયેલ મુદ્દામાલ સાથે અન્ય એક શખ્સને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અંજની પાર્ક સોસાયટીમાં રહેતા અને મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બરની પાછળના ચેમ્બરના પ્રથમ માળે દુકાન નંબર 7 માં ઓફીસ ધરાવતા મિલનભાઈ રમણિકલાલ ગઢિયા ઉ.વ.27 એ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.19ના રોજ અજાણ્યા શખ્સો તેમની ઓફિસમાં ત્રાટકયા હતા અને આ અજાણ્યા શખ્સોએ તેમની ઓફિસના તાળાની ડુપ્લીકેટ ચાવીની મદદથી ઓફિસનું તાળું ખોલી અંદર પ્રવેશી ઓફિસમાં રહેલા રૂ.75800ના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ કામના આરોપીઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેના આધારે તપાસ આદરીને બાતમીના આધારે માળિયા ફાટક ચોકડી પાસેથી રફીકભાઈ ઇશાકભાઈ નોતરિયા અને મહેબૂબભાઈ જુસબભાઈ ભટ્ટીને પકડી પાડીને પૂછપરછ કરવામાં આવતા તેઓએ તેમના સાથીદારો સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. વધુમાં આ આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ અર્પિતભાઈ ઉર્ફે આકાશભાઈ બળદેવભાઈ એરવાડિયા રહે.ટિકર તા.હળવદવાળાને આપ્યાની કબૂલાત આપતા પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ કિંમત રૂ. 75,800 અને સીએનજી રીક્ષા કિંમત રૂ. 50,000 ગણી કુલ રૂ. 1,25,800નો મૂદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.