કુલ રૂ. ૩૦ હજારના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ કપોરીની વાડીની પ્રાથમિક શાળામાંથી તસ્કરો ટીવી, સીસીટીવીનું ડીઆર અને લેપટોપની સહિત કુલ રૂ. ૩૦ હજારના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરીના બનાવની ફરિયાદ નોંધાતા બી ડિવિજન પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ કપોરીની વાડીની પ્રાથમિક શાળામાં ગત તા.૨ના રોજ તસ્કરો ત્રાટકયા હતા અને અજાણયા શખ્સોએ મોરબીની કપોરીની વાડી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરી શાળાની પ્રિન્સીપાલની ઓફીસના દરવાજાનો નકુચો તોડી ઓફીસમાં પ્રવેશ કરી ઓફીસમાથી એક LED કલર ટીવી કિ.રૂ.૭૦૦૦ તથા એક સીસીટીવી કેમેરાનું ડીવીઆર કિ.રૂ.૮૦૦૦ તેમજ કબાટનું તાળુ તોડી કબાટમાંથી ACER કંપનીનું એક લેપટોપ કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૩૦,૦૦૦ ની ચોરી કરી ગયા હતા. તેમજ શાળામાં લગાવેલ સીસીટીવી કેમેરા તોડી નુકશાન કર્યું હતું. આ બનાવની જાણ થતાં શાળામાં નોકરી કરતા સુનિલભાઇ અશોકભાઇ જોષી (ઉવ.૩૭, મોરબી કંડલા બાયપાસ રોડ ધર્મલાભ સોસાયટી ગીતાંજલી સ્કુલ પાછળ ખોડીયાર કૃપા) એ બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.