મામલતદાર અને પાલિકા પ્રમુખનો રિપોર્ટ પણ નેગેટિવ મોરબી : મોરબીમાં ગઈકાલે મામલતદાર કચેરીમાં કામ કરતા તલાટીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નાયબ કલેકટર અને મામલતદાર સહિત 75 સરકારી કર્મચારીઓના પણ સેમ્પલ લેવાયા હતા. જે તમમના રિપોર્ટ આજે નેગેટિવ આવતા વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો હતો. મોરબીના તલાટી મંત્રી બીપનભાઈ પેથાપરાનો ગઈકાલે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેઓ આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ઇવીએમની કામગીરી કરતા હતા. આથી આ પોઝિટિવ તલાટી મંત્રીના સંપર્કમાં આવેલા મામલતદાર કચેરીના બન્ને મામલતદાર, સર્કલ, તાલુકા સેવા સદનના પ્રાંત અધિકારી, ડ્રાઇવર ,પટાવાળાથી માંડીને તમામ સ્ટાફ, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, નાયબ મામલતદાર સહિતના 75 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ 75 લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તેથી તંત્રએ રાહત અનુભવી છે. જ્યારે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 127 સેમ્પલ લઈને જામનગર મોકલાયા હતા. જ્યાં એક સેમ્પલ રિજેક્ટ થયું હતું અને 6 પોઝિટિવ આવ્યા હતા અને બાકીના તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે આજે જામનગર લેબમાં મોરબીના 6 પોઝિટિવ ઉપરાંત રાજકોટ અને અન્ય લેબોરેટરીમાં કરાયેલા રીપોર્ટમાં 13 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. આમ આજે રવિવારે કુલ 19 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંકડો 121 થઇ ગયો છે.