મોરબી : મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 29 ડિસેમ્બરના રોજ રવિવારે સ્વામી નારાયણ ગુરુકુળ, ઇન્ટર નેશનલ સ્કૂલ, મોરબી-માળીયા બાયપાસ રોડ, મોરબી ખાતે ચોથા શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કાર્યક્રમની શરૂઆત ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના તથા ગુરુકુળના સંત જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા તેમના આશીર્વચનથી કરવામાં આવશે. આ તકે મહેમાનો, વિદ્યાર્થીઓ, નિવૃત શિક્ષકો અને શિક્ષણ સહાયકોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતકુમાર પટેલ, વહીવટી માર્ગદર્શક તરીકે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ બોર્ડ મેમ્બર જયંતભાઈ ગડારા સ્થાન ધરાવે છે. તેમજ મહેમાન તરીકે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી રમેશચંદ્ર ઠક્કર, નવયુગ શૈક્ષણિક સંકુલના પ્રમુખ પી. ડી. કાંજીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.