મોરબી : આજના આધુનિક યુગમાં સિનેમાઘરોમાં ફિલ્મોની બોલબાલા ચાલે છે. તેમજ હવે ડિજિટલ ટેકનોલોજીના કારણે લોકો ઘરે બેઠા લેપટોપ કે મોબાઈલની ટચુકડી સ્ક્રીન પર ફિલ્મો, સિરિયલો, રિયાલિટી શો જોઈ શકે છે. તેથી, લોકોના મનમાંથી પ્રાચીન લોક સંસ્કુતિના રામામંડળ, ભવાઈ જેવા શેરી નાટકોના વિવિધ રૂપો વિસરાતા જાય છે. ત્યારે આજના સમયમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શેરી નાટક કે રામામંડળનું આયોજન કરી પ્રાચીન લોક સંસ્કુતિને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોરબીમાં ગઈકાલે તા. 29 નવેમ્બરના રોજ પંચાસર રોડ પર આવેલા રાજ નગરમાં સંત દેવીદાસ મંડળ દ્વારા તોરણીયાના પ્રખયાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તોરણીયા - રામામંડળની ટીમના 35થી વધુ કલાકારો દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર ભજવવામાં આવ્યું હતું. તેમજ પ્રખયાત ગાયક મિલન કાકડિયાનો મીઠો સ્વર પ્રેષકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રામામંડળમાં બહોળી માત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રામામંડળમાં જે પણ ફાળો એકઠો થાય છે, તેનો ગાયોના ઘાસચારા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમજ સંત દેવીદાસ ગ્રુપ દ્વારા દરરોજ રાત્રે ઘરે-ઘરે ફરીને રોટલી-રોટલા ભેગા કરીને ગાયોને ખવડાવામાં આવે છે.