વિજયનગર અને શાંતિવન સોસાયટીના લોકોએ કલેક્ટર અને ચીફ ઓફિસર સમક્ષ સમસ્યા હલ કરવા કરી રજૂઆતમોરબી : મોરબીની શાંતિવન સોસાયટી, સુમરા સોસાયટી, વિજયનગર અને લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરના પાણી ભરાય રહેવા મામલે રહીશોએ આજે કલેક્ટર અને ચીફ ઓફિસરને મળીને લેખિત રજૂઆત કરી છે. રહીશોના જણાવ્યા પ્રમાણે આઠેક જેટલી કુંડીઓમાંથી પાણીનો નિકાલ અટકી ગયો છે. જેથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. ગટરના પાણી રોડ પર ભરાય રહેતા હોવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.મોરબી અપડેટ સાથેની વાતચીતમાં રહીશે જણાવ્યું હતું કે, શાંતિવન સોસાયટી, સુમરા સોસાયટી, વિજયનગર અને લાયન્સનગરના રહીશોએ પાલિકા કચેરીએ આવીને ભુગર્ભ ગટર ઉભરાવા પ્રશ્ને રજૂઆત કરી છે. અમારા વિસ્તારમાં ગટર ઉભરાતા દરિયા ભર્યા હોય તેમ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પડે છે. રોગચાળો ફેલાય રહ્યો છે. ભુગર્ભ ગટરના પાણી ઘરમાં પણ ઘુસી રહ્યા છે. આ અંગે આજે અમે ચીફ ઓફિસર અને કલેક્ટરને મળીને રજૂઆત કરી છે. અધિકારીઓએ અમને આવતીકાલે બપોર સુધીમાં આ પ્રશ્ન હલ થઈ જશે તેવી હૈયાધારણા આપી છે. જો આવતીકાલ બપોર સુધીમાં સમસ્યા હલ નહીં થાય તો અમારા વિસ્તારની મહિલાઓ 15 ઓગસ્ટના દિવસે નગરપાલિકા ચોકમાં આવીને આત્મવિલોપન કરશે જેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે.