નાલાના ખાડામાં અનેક વાહનો ફસાયા બાદ ભારે તડાપીટ બોલતા અંતે પાલિકા તંત્રને ફરજનું ભાન થયું મોરબી : મોરબી પાલિકા તંત્ર કોઈ સ્થળે સમસ્યા સર્જાય હોય અને તાત્કાલિક નિરાકરણ લાવે એવું ક્યારેય બનતું નથી.ભારે તડાપીટ બોલે પછી જ તંત્ર જાગે છે. જેમાં મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ ભૂગર્ભ ગટરના નાલામાં ખાડો પડી ગયા બાદ એક મહિના પછી તંત્રને પોતાની જવાબદારીનું ભાન થયું હતું.આ નાલાના ખાડામાં અગાઉ અનેક વાહનો ફસાયા બાદ છેક આજે પાલિકા તંત્રએ ખાડાનું સમારકામ કર્યું હતું. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના નાકા પર આવેલ ભૂગર્ભ ગટરના નાલામાં અગાઉ ભારે વરસાદમાં મસમોટા ખાડો પડી ગયો હતો.મુખ્યમાર્ગના નાલા પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઉભું થયું હતું. આ ખાડો એટલી હદે જોખમી બની ગયો હતો કે ત્યાં અગાઉ લાંબા રૂટની એસટી બસો અને પોલીસની જીપ સહિત અનેક વાહનો ફસાયા હતા. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું. તેથી વાહન ચાલકો મોટી મુસીબતમાં મુકાય ગયા હતા. ત્યારે આ ખાડાની જોખમી સ્થિતિ હોવાનું એક મહિના પછી પાલિકા તંત્રને ભાન થયું હતું અને ખાડાનું સમારકામ કર્યું હતું. ત્યાં ભૂગર્ભની કુંડીની દીવાલ ચણીને હાલ આ જગ્યાને સુરક્ષિત કરી દીધી છે.પણ જાગૃત નાગરિકો તંત્ર ઉપર એવો ઉકળાટ ઠાલવ્યો હતો કે, મહેન્દ્રપરાના નાલમાં પડેલો ખાડો જોખમી હોવાનું તંત્રને છેક એક મહિને ભાન થાય એ બાબત તંત્ર કેટલી હદે સંવેદનહીન બની ગયું છે એ પુરવાર કરે છે. જોકે ખાડો પડ્યા બાદ તત્કાળ તંત્ર હરકતમાં આવ્યું હોત તો આટલી ગંભીર સમસ્યા ઉદભવી જ ન હોત. હજુ પણ જે જે વિસ્તારમાં સમસ્યા હોય તેનું તાકીદે તંત્ર નિરાકરણ કરે તો લોકોને મુશ્કેલીઓમાંથી રાહત મેળવી શકશે.