ગત ટર્મમાં ચૂંટાયા બાદ મોરબી જિલ્લામાં ખીલી હતી આયારામ-ગયારામની મોસમ : ગત ચૂંટણીમાં હાર્દિક પટેલ ફેક્ટર રહ્યું હતું પ્રભાવિત મોરબી : 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મચ્છુમાં ઘણા પાણી વહી ગયા. એ સમયે જે-તે પાર્ટીમાંથી કે અપક્ષ ચૂંટાયેલા નેતાઓએ સ્વપાર્ટીની 'ટોપી' બદલી નાંખી હોય એવા ઘણા બનાવો બન્યા. ગત 5 વરસો દરમ્યાન રાજનીતિની નીતિમત્તામાં પણ ઘણાં ચડાવ ઉતાર આવ્યા. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન હાર્દિક પટેલ ફેક્ટર મજબૂત સ્થિતિમાં હતું. અને ગત સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો ઘોડો વિનમાં રહ્યો હતો. જોકે આ વખતે હાર્દિક પટેલનું કોઈ ફેક્ટર જોવા મળતું નથી. ત્યારે મોરબી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની પૂર્વ સ્થિતિ અને વર્તમાન સ્થિતિ પર એક નજર નાખીએ. ગત ટર્મની મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 બેઠકો પૈકી 22 બેઠકો કોંગ્રેસે જીતી હતી જ્યારે ભાજપે 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો પૈકી 21 કોંગ્રેસને અને 5 ભાજપને મળી હતી. માળીયા તાલુકા પંચાયતમાં 16 સીટો પૈકી 10 પર કોંગ્રેસ અને 6 સીટો પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા. અલબત્ત કોંગ્રેસને પુરા પાંચ વર્ષ સત્તાસુખનું નસીબમાં ન હોય એમ પક્ષ પલ્ટાનો દૌર આવતા સત્તાના સૂત્રો ભાજપના હાથમાં ચાલ્યા ગયા હતા. હળવદ તાલુકા પંચાયતમાં કુલ 20 બેઠકો પૈકી 12 કોંગ્રેસ અને 8 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જો કે પાર્ટી બદલુ નેતાઓએ અહીં દાવ રમતા કોંગ્રેસના બેથી ત્રણ સભ્યોએ ભાજપ પ્રવેશ કરતા અને એક સભ્યનું નિધન થતા આવેલી પેટા ચૂંટણી બાદ ભાજપ પાસે 13 સભ્યોનું સંખ્યાબળ થયું હતું જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 7 સભ્યોનું સંખ્યાબળ શેષ બચ્યું હતું. જ્યારે ટંકારા તાલુકા પંચાયતમાં 16 બેઠકો પર ભાજપનું સંપૂર્ણ ધોવાણ થયું હતું અને તમામ સોળે સોળ બેઠકો કોંગ્રેસે જીતી હતી. વાંકાનેર તાલુકા પંચાયતની ગત ટર્મની બેઠકો પર નજર કરીએ તો, કુલ 24 બેઠકો પૈકી 18 કોંગ્રેસ, 5 ભાજપ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. મોરબી નગરપાલિકાની ગત ટર્મની સ્થિતિ જોઈએ તો, કુલ 52 બેઠકો પૈકી 32 કોંગ્રેસે જીતી હતી અને 20 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવી મુખ્ય વિપક્ષ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. જો કે, પાંચ વરસ દરમ્યાન પાલિકામાં આયારામ ગયારામની સ્થિતિ વચ્ચે સત્તાના સમીકરણો વિવિધ કારણોસર બદલાતા રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના અસંતુષ્ઠોએ ત્રીજો પક્ષ રચવાની મથામણ પણ કરી જોઈ હતી. હાલમાં ગત ટર્મની ચૂંટણી સમયે સામે આવેલું ચિત્ર તદ્દન ઊલટું થઈ ગયું છે. હાલમાં જ મુદત પૂરી થયેલી ગત ટર્મમાં છેલ્લે ભાજપ પાસે 32 અને કોંગ્રેસ પાસે 20 સભ્યો ઓનપેપર રહ્યા હતા. ગત બોડીની મુદત પૂર્ણ થવાના થોડા મહિના પૂર્વે સત્તાની સાઠમારી એટલી પ્રબળ બની હતી કે ખુદ કોંગ્રેસના પાલિકા પ્રમુખે પણ કેશરીયો ખેસ ધારણ કર્યો હતો. અલબત્ત સત્તાની સાઠમારીમાં અંતે હેરાન થવાનું તો નાગરિકોના નસીબમાં જ લખ્યું હતું, એવું મોરબી શહેરની વર્તમાન હાલત જોતા લોકોને સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. જ્યારે વાંકાનેર નગરપાલિકામાં ગત ટર્મની ચૂંટણી બાદ જોવા મળ્યું હતું. જેમાં નગરપાલિકાની કુલ 28 બેઠકો પૈકી 22 પર ભાજપ, 1 કોંગ્રેસ, 1 એનસીપી અને 4 બેઠકો પર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જ્યારે માળીયા નગરપાલિકાની કુલ 24 બેઠકો પૈકી 14 કોંગ્રેસે અને 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીતી હતી. આમ સરેરાશ જોઈએ તો મોરબી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ગત ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકાને બાદ કરતાં મોરબી જિલ્લામાં 'પંજા'નો હાથ ઉપર રહ્યો હતો જ્યારે 'કમળ' વધુ ખીલી શક્યું ન હતું. અલબત્ત એ સમયે પાટીદાર અનામત આંદોલનની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર મોરબી જિલ્લામાં વર્તાઈ હતી એવું ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ સંકેત આપતું હતું. આથી જ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મુલાકાતોનો હાર્દિક પટેલનો સિલસિલો છેલ્લા 5 વર્ષો દરમ્યાન મોરબી જિલ્લામાં વધુ પડતો રહ્યો હતો. ખાસ કરીને ટંકારા અને માળીયા તાલુકામાં કોંગ્રેસનો દબદબો ગત ટર્મની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની પેટા ચૂંટણી સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ કે જે કોંગ્રેસના હતા તેઓએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આમ પાછલા 5 વર્ષ સમગ્રતઃ સ્થિતિ પ્રવાહી બની રહી હતી. હવે જોવું રહ્યું કે ગત 5 વર્ષો દરમ્યાન કોંગ્રેસે અને ભાજપે કરેલી કામગીરી અને આયારામ ગયારામની વર્તણુકને આ ચૂંટણીમાં મતદારો કઈ રીતે મૂલવે છે.