મોરબી અપડેટ, જિલ્લા વહીવટી તંત્ર, સાહિત્ય સંપદન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અર્થે મોરબી અને ટંકારામા કવિ સંમેલન યોજાયુ મોરબી : મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણીના અનુસંધાને મોરબી અપડેટ , સાહિત્ય સંપદન, જિલ્લા વહીવટી તંત્ર અને યંગ ઇન્ડિયા ગુપ દ્વારા બે દિવસથી મતદાર જાગૃતિ અભિયાન ચલાવાયું હતું.જેમાં મોરબી અને ટંકારામાં મતદાર જાગૃતિ માટે કવિ મુસાયરો યોજાયો હતો.જેમાં જાણીતા કવિઓએ ગઝલ શાયરી રજૂ કરીને નિરુત્સાહ મતદારોને જાગૃત કરવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. મોરબીમાં આવતીકાલે લોકસભાની ચૂંટણી યોજાશે.ત્યારે લોકો ભયમુક્ત બનીને તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે પોતાનો અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મોરબી અપડેટ, જિલ્લા વહીવટી તંત્ર , સાહિત્ય સંપદન, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બે દિવસ સુધી લોકસભાની ચૂંટણીના સંદર્ભે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતી ચોક ખાતે તા.20ના રોજ મતદાર જાગૃતિ માટે કવિ મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જાણીતા કવિઓ જુદા જુદા કાવ્યો રજૂ કરી માર્મિક કટાક્ષ કરીને મતદારોને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન શિક્ષક ભરતભાઈ વડગાસીયાએ કર્યું હતુ. આ તકે સાહિત્ય સ્પંદનના નીરવ માનસેતા, ધવલ ભીમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આ સંસ્થાઓ દ્વારા ગઈકાલે રાત્રે મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ પાસે મતદાર જાગૃતિ માટે કવિ મુસાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જનાર્દન દવે, કવી જલરૂપ, સંજય બાપોદરિયા, નિશિત સોની, વિશાલ પારેખ, મિત રવેશિયા જયેશ ભટાસણા સહિતના કવિઓએ મતદાર જાગૃતિ વિષય પર જ ગઝલ શાયરીઓ રજૂ કરીને તંદુરસ્ત લોકશાહી માટે મતદાનની આવશ્યકતા પર ભાર મૂકીને લોકો મતદાન કરવામાં ઉત્સાહ દાખવાનો મેસેજ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન જનાર્દન દવેએ કર્યું હતુ. આ તકે વિવિધ ક્ષેત્રેના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.