પાલિકા દ્વારા આજે મચ્છુ જળ હોનારતની દુર્ઘટના સમયે 21 સાયરન વગાડ્યા બાદ મણીમંદિર ખાતે આવેલા હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે કલેકટર, એસપી, પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો અને સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરીજનોએ પુષ્પાજંલી અર્પણ કરી મોરબી : 11 ઓગસ્ટ 1979નો કાળો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે મચ્છુના પુર કાળ બનીને મોરબી પર ત્રાટકયા હતા. જેમાં મચ્છુ ડેમ તૂટ્યાની સાથે મોરબીમાં અકલ્પનિય ભયંકર તારાજી થઈ હતી. હજારો લોકો અને પશુઓ મચ્છુ પુરમાં તણાઈને મોતને ભેટ્યા હતા. આ ગોઝારી જળ પ્રલયની દુર્ઘટનાની આજે 41મી વરસીએ આંસુના પુર વહ્યા હતા. જો કે કોરોનાની મહામારીનો લઈને મોરબી પાલિકા દ્વારા જળ પ્રલયની દુર્ઘટનાની આજે 41 મી વરસીએ પ્રથમ વખત મૌનરેલી રદ કર્યા બાદ ઘટના બન્યાના સમયે 21 સાયરન વગાડવામાં આવ્યા હતા અને મણીમંદિર ખાતે આવેલા હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે કલેકટર, એસપી, પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો અને સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરીજનોએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. 11 ઓગસ્ટ, 1979ના રોજ સર્જાયેલી મચ્છુ જળ પ્રલયની ગોઝારી દુર્ઘટના વિશ્વની સૌથી મોટી જળ પ્રલયની દુર્ઘટના પૈકીની એક ગણાય છે. 11 ઓગસ્ટ, 1979 ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ઉપરવાસના ભારે વરસાદથી મોરબીનો વિશાળકાય મચ્છુ ડેમ તૂટ્યો હતો. આ સાથે જ મચ્છુ ડેમના પાણી યમરાજ બનીને મોરબી શહેર ઉપર તૂટી પડ્યા હતા અને આખું મોરબી જળમગ્ન બની ગયું હતું. એક જ જાટકે મોરબી આખું તબાહ થઈ ગયું હતું. મચ્છુના પૂરે પળવારમાં જ મોરબીને સ્મશાન બનાવી દેતા હજારો લોકો અને સેંકડો પશુઓ મોતની આગોશમાં સમાય ગયા હતા. જાનમાલની ભયાનક ખુવારી થઈ હતી. મચ્છુ જળ પ્રલયની દુર્ઘટના એટલી બધી ભયાનક હતી કે મોરબી શહેરમાં ચારેકોર વિનાશ સિવાય કંઈ બચ્યું ન હતું. આજે પણ મચ્છુ પ્રલયની દુર્ઘટના તાજી થાય ત્યારે પુરગ્રસ્તો એ પુરની ભયાનકતા કાળજું કંપાવી દે છે. મચ્છુ જળ પ્રલયની દુર્ઘટના બાદ ખુમારી અને જીંદાદિલીથી મોરબીવાસીઓ ફિનિક્સ પંખીની જેમ બેઠા થઈને આપબળે અકલ્પનિય વિકાસ સાધ્યો છે. ખાસ કરીને સીરામીક, ઘડિયાળ સહિતના આપબળે વિકસેલા ઉધોગોને કારણે મોરબીએ આત્મનિર્ભર બનીને ભારત જ નહીં બલ્કે વિશ્વમાં કીર્તિમાનો સ્થાપિત કરી દીધા છે. જો કે બિહામણી સ્મૃતિઓ છોડી જનાર મચ્છુ પ્રલયને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શકયા નથી. દર વર્ષે મચ્છુ હોનારતની વરસી આવે ત્યારે મોરબીવાસીઓ અચૂક પણ દિવગંતોને શ્રદ્ધાસુમન પાઠવે છે. અને દર વર્ષે મોરબી પાલિકા દ્વારા મૌન રેલી કાઢવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને મોરબી પાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત આજે મચ્છુ પ્રલયની 41 મી વરસીએ મૌનરેલી રદ કરવામાં આવી હતી. પણ આજે મચ્છુ પ્રલયની 41 વરસીએ હોનારત બન્યાના સમયે પાલિકા દ્વારા 21 સાયરન વગાડવામાં આવ્યા હતા. જ્યારે કલેકટર પટેલ, અધિક કલેકટર કેતન જોશી, એસપી ઓડેદરા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, આરએસએસના અગ્રણી ડો. જ્યંતી ભાડેશીયા સહિતના મહાનુભાવો અને સંસ્થાઓના આગેવાનો અને સામાજિક ક્ષેત્રોના અગ્રણીઓ તથા શહેરીજનો પોતાની રીતે મણીમંદિર ખાતે પહોંચી હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે પુષ્પાજંલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.