3 કલાકથી એકલી બેઠેલી અને ડરી ગયેલી બાળકીનું કાઉન્સેલિંગ કરી નજીકની મીલમાંથી તેના શ્રમિક માતા-પિતાને શોધી કાઢ્યામોરબી અપડેટ : મોરબી જિલ્લાના કંડલા બાયપાસ પરથી એક જાગૃત નાગરિકે 181 હેલ્પલાઈન પર ફોન કરી જાણ કરી હતી કે, એક બાળકી છેલ્લા 3 કલાકથી અહીં એકલી બેઠેલી છે. નાગરિકે તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી ખૂબ જ ડરેલી હોવાથી કોઈ જવાબ આપતી ન હતી.માહિતી મળતાની સાથે જ 181 અને 112 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બાળકીને પ્રેમથી બોલાવી તેનું નામ અને સરનામું જાણવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે રસ્તો ભૂલી ગઈ હોવાથી તેને પોતાનું એડ્રેસ યાદ ન હતું. બાળકીનો ડર દૂર કરી સાંત્વના આપ્યા બાદ, તેનો પહેરવેશ અને ભાષા પરથી તે પરપ્રાંતીય હોવાનું જણાતા ટીમે આજુબાજુના વિસ્તારમાં અને નજીકની એક મીલમાં તપાસ હાથ ધરી હતી.મીલ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક શ્રમિક દંપતી તેમની દીકરીની શોધખોળ કરી રહ્યું છે. આ દંપતીનો સંપર્ક કરતા તેઓ ઉત્તર પ્રદેશના વતની હોવાનું અને મોરબીમાં મજૂરી કામ માટે આવ્યા હોવાનું ખૂલ્યું હતું. 181 અને 112 ની ટીમે બાળકીને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપી હતી. સાથે જ, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બાળકીની યોગ્ય સંભાળ રાખવા માર્ગદર્શન આપ્યું હતું. પોતાની વહાલસોયી દીકરી સહીસલામત પરત મળતા પરિવારે બંને ટીમોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #KandlaBypass #181Abhayam #112Emergency #MorbiPolice #SocialWork #MorbiUpdates #MorbiNews #GujaratNews