ખરીદી કરી ઘરે પરત ફરી અચાનક બ્રેઈન ડેડ થયેલા મોનાલિસાબેનના પતિ અલ્કેશભાઈ અને પુત્રી અનુપમાએ ભારે હૈયે અંગદાનનો નિર્ણય કરી ત્રણ વ્યક્તિને જીવતદાન અને બે વ્યક્તિની જિંદગીમાં રોશની લાવ્યા મોરબી : મોરબીમાં સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા બંગાળના વતની સજ્જને બ્રેઈન ડેડ ધર્મપત્નીના અંગદાનનો નિર્ણય લઈ સવાયા ગુજરાતી બની ત્રણ વ્યક્તિને જીવનદાન આપવાની સાથે બે વ્યક્તિની જિંદગીમાં રોશનીના અજવાળા પાથર્યા છે. મોરબીની નાલંદા સ્કૂલમાં ફરજ બજાવતા મોનાલિસાબેન બજારમાં ખરીદી કરી પરત ફર્યા બાદ અચાનક બ્રેઈન ડેડ થતા ભારે હૈયે અલ્કેશભાઈ અને તેમની પુત્રીએ સમાજને ઉપયોગી થવા અંગદાનનો આ ઉમદા અને કઠોર નિર્ણય કર્યો હતો. મોરબી સનહાર્ટ સીરામીકમાં એન્જિનયર તરીકે ફરજ બજાવતા અલકેશભાઈ માહોતાના ધર્મપત્ની મોનાલીસાબેન તા. 13 નવેમ્બરની સાંજે પુત્રી અનુપમા સાથે ખરીદી કરી ઘર પરત આવતા થોડી તબિયત બગડી હતી જેથી તેઓને મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરાયા હતા. જ્યાં ડો. જોગણીએ તપાસ કરતાં માલુમ થયું કે તેઓને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે. બે દિવસની સઘન સારવાર કરવા છતાં કોઈ સુધારો ન થયો અને અંતે ન્યુરોફિઝિશ્યન ડૉ. કેતન ચુડાસમા, ન્યુરોસર્જન ડૉ કાર્તિક મોઢા, ઇન્ટેન્સિવિસ્ટ ડૉ ચિરાગ માત્રાવડીયા, સેન્ટર હેડ ડૉ. જગદીશ ખોયાની, આઈ.સી.યુ. રજિસ્ટ્રાર ડૉ વિવેક જીવાણી, ડૉ. મીત ઉનડકટ, ડૉ ઉપેન્દ્ર પરમાર, ડૉ સાગર ભંડેરીની ટીમ દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બીજી તરફ પત્ની મોનાલિસાબેન બ્રેઈન ડેડ થઇ જતા અલ્કેશભાઈ ઉપર આફત ઉતરી આવી હતી.પરંતુ અલકેશભાઈ એક શિક્ષિત અને જાગૃત નાગરિક હોવાથી આવી દુઃખની ઘડીમાં પણ તેઓએ એમનાં પત્નીના અંગદાન કરવાનો નિર્ણય લીધો. સાથે મોનાલીસાબેનના 19 વર્ષનાં દીકરી અનુપમાબેન, બહેન મધુલિકાબેન તથા સંબંધીઓ નુકુલભાઈ, મનવેન્દ્રભાઇ, મિતેન્દ્રભાઈએ આ નિર્ણય લેવામાં સહયોગ આપ્યો અને માનવતાની મહેક ઉભરાવવા હાર્ટ સહિત બધા અંગો માટે સહમતી આપી હતી. અંગદાનનો નિર્ણય લેવાની સાથે જ હમેશા અંગદાન માટે સેવા કરવા હંમેશા તૈયાર રહેતા નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશયન ડૉ દિવ્યેશ વિરોજાએ સમગ્ર પ્રક્રિયામાં સતત 36 કલાકની મહેનત કરી રાજકોટનું 89મું અંગદાનનું ઓપરેશન અમદાવાદની ખ્યાતનામ કિડની હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે સંકલન કરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડો વિશાલ ભાલોડીએ સરકારના અંગદાન વિભાગ SOTTO ની સાથે સંકલન કર્યું હતું. એમનાં લિવર, બંને કિડની ટ્રાન્સપ્લાન્ટથી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે અને ચક્ષુદાનથી બે વ્યક્તિને દ્રષ્ટિ મળશે. બંગાળી સમાજના અલકેશભાઈએ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સમાજસેવક ભાવનાબેન મંડલી તથા મિતલભાઈ ખેતાણી સાથે વાત કરતા દુઃખ સાથે કહ્યું કે હવે હું મારી ઓળખ મોનાલીસાના પતિ તરીકે આપીશ.સમાજ પ્રત્યે ખુબજ લાગણી ધરાવતા મોનાલીસાબેન મોરબીની નાલંદા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના શિક્ષક હતા.સમાજમાં લોકો ખૂબ આદર કરતા, લોકો માટે સેવાની લાગણી ધરાવતા મોનાલીસાબેનના અંગદાન કરી અલકેશભાઈએ જીવન સાર્થક કર્યું અને માનવ સેવાનો આ નિર્ણય લઈ બંગાળી સમાજનું નામ રોશન કર્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..