માતાપિતા વચ્ચેની ગેરસમજથી અપહરણની ફરિયાદ નોંધાઈ, મોરબી તાલુકા પોલીસે બાળકને મધ્યપ્રદેશથી શોધી કાઢ્યોમોરબી અપડેટ : મોરબી તાલુકાના સ્પેનસેરા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 3 વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી હતી. જોકે, આ ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે કે બાળકના પિતાની જાણ બહાર માતાએ ગેરસમજના કારણે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને મધ્યપ્રદેશથી શોધી કાઢીને પરિવારને સોંપ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 21 ના રોજ સ્પેનસેરા સિરામિકની ઓરડીમાં રહેતા અર્ચનાબેન રાજુભાઈ રામજીયાવનનો 3 વર્ષનો દીકરો અંતાક્ષ તેમના પરિચિત સંતોષભાઈ નવલાભાઈ (રહે. મધ્યપ્રદેશ) સાથે રમકડાં લેવા ગયો હતો. બાળકના પિતા રાજુભાઈએ સંતોષભાઈને પોતાનો મોબાઈલ ફોન પણ આપ્યો હતો. જોકે, લાંબા સમય સુધી બાળક પરત ન ફરતા અને ફોન સ્વીચ ઓફ આવતા અર્ચનાબેને ચિંતાતુર બનીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.મોરબી તાલુકા પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી હતી. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ માધ્યમોની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંને ચરાડવા ગામથી બસમાં બેસીને મધ્યપ્રદેશ તરફ ગયા છે. પોલીસે લોકેશન ટ્રેસ કરીને સંતોષભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે તેઓ અંતાક્ષ સાથે પોતાના ઘરે મધ્યપ્રદેશ સુરક્ષિત પહોંચી ગયા છે.ત્યારબાદ તારીખ 23 ઓગસ્ટના રોજ પોલીસ અંતાક્ષને હસ્તગત કરી હતી. પૂછપરછમાં સંતોષભાઈએ જણાવ્યું કે તેમની માતાની તબિયત ખરાબ હોવાથી તેઓ અચાનક પોતાના ઘરે ગયા હતા અને રસ્તામાં મોબાઈલની બેટરી પૂરી થઈ જવાથી ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. મહત્વની વાત એ છે કે, સંતોષભાઈએ બાળકને મધ્યપ્રદેશ લઈ જવા અંગે બાળકના પિતા રાજુભાઈને જાણ કરી હતી, પરંતુ રાજુભાઈએ પોતાની પત્ની અર્ચનાબેનને આ વાત ન જણાવી હોવાથી આખી ગેરસમજ ઉભી થઈ હતી. પત્નીને જાણ ન હોવાથી અને લાંબા સમય સુધી સંપર્ક ન થવાથી ઉતાવળમાં અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો.પોલીસે માત્ર 24 કલાક જેટલા ટૂંકા સમયગાળામાં બાળકને શોધીને તેના વાલીવારસને સોંપી દીધો છે. આ સફળ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, એલ.સી.બી. મોરબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પી.એસ.આઈ. સી.એસ. સોંદરવા તથા એલ.સી.બી. અને મોરબી તાલુકા સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.#Morbi #MorbiUpdate #MorbiPolice #ChildRescue #GujaratPolice #MorbiNews #Misunderstanding