હળવદના ધનાળા નજીક રોકી લેવાતું પાણી વહેલી તકે મળે તેવી વ્યવસ્થા ગોઠવવા ખેડૂતોની માંગ : આવેદન અપાયું મોરબી : નર્મદા કેનાલમાંથી ૨૦ દિવસ પહેલા છોડવામાં આવેલું પાણી હજુ સુધી મોરબી તાલુકાના ભરતનગર, ગાળા, ગૂંગણ, ભક્તિનગર સહિતના ૧૫ ગામમાં ન પહોંચતા ખેડૂતો આગબબુલા થયા છે અને આજે આ મામલે ખેડૂતોએ અધિક કલેકટરને આવેદન આપીને કેનાલમાંથી તાત્કાલિક તાકીદે રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા અને ઉપરની કેનાલમાં પાણી ચોરી અટકાવવા ની માંગ કરી છે અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ભરતનગર, ગાળા, ગૂંગણ, ભક્તિનગર, કૃષ્ણનગર અને રામપર સહિતના ૧૫ ગામોના ખેડૂતોએ આજે સિંચાઈ પ્રશ્ને અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ આવેદનમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના આ ગામોને જે ધાંગધ્રા શાખા નહેરમાં બ્રાહ્મણીથી નવા સાદુળકા સુધી છેલ્લા ૨૦ દિવસથી પાણી છોડાયું હોવા છતાં ત્યાં ગામોમાં પાણી પહોંચ્યું નથી ગત તારીખ ૨૦નવેમ્બરે આ મુદ્દે આવેદન આપ્યું હતું. જોકે સરકારે ગત તારીખ ૧૨ નવેમ્બરે ખેડૂતોને કેનાલમાંથી રવિ પાક માટે પાણી આપવાની જાહેરાત કરી હતી આથી પાણી મળશે એવી આશાએ ખેડૂતોએ રવી પાકનું વાવેતર કર્યું હતું પરંતુ આજદિન સુધી પાણી ન મળતાં ખેડૂતોનો ઊભો પાક સુકાવા લાગ્યો છે અને હજુ સમયસર પાણી નહીં મળે તો ખેડૂતો શિયાળુ પાક નિષ્ફળ જશે. ઉપરોક્ત ૧૫ ગામના ખેડૂતોએ જણાવ્યુ હતું કે તેમના માટે સરકારે કેનાલમાંથી પાણી છોડ્યું હતું પરંતુ હળવદના ધનાળા ગામ પાસે પાણી મોટા પ્રમાણમાં રોકાઈ જતુ હોવાથી મોરબીના ગામોને સિંચાઈ માટે પાણી મળતું નથી જેથી ખેડૂતોએ કેનાલમાં વધુ પ્રમાણમાં પાણી છોડવા અને પાણી ચોરી અટકાવવા માંગણી કરી છે. જો આગામી સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પાણી નહીં પહોંચાડવામાં આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચરવામાં આવી હતી.