મોરબી : મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા દ્વારા મોરબી તાલુકાના વિવિધ પ્રશ્નોને લઈને પ્રાંત અધિકારી કચેરી ખાતે મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિના અધ્યક્ષને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મહાનગરપાલિકામાં સંભવિત સમાવિષ્ટ 14 ગામો માટે નવા બાંધકામ તથા મંજૂરી વાળા બાંધકામ માટે સ્પષ્ટ નિયમો જાહેર કરવામાં આવે, મોરબી શહેરની આસપાસ ગામલોકોની જરૂરી પ્રાથમિક સુવિધા જેવી કે રહેણાંકમાં વીજળી કનેક્શન જે હાલમાં આપવાના બંધ કરેલ છે. જેથી લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવે, શહેરની આસપાસના ગામોમાં છેલ્લા 6 મહિનાથી રહેણાંક મકાનની બેન્ક લોન જે બેન્ક દ્વારા બંધ કરવામાં આવી છે તે ફરીથી શરૂ કરવા તેમજ ચોમાસા દરમ્યાન મોરબી તાલુકાના ગામોના તાલુકા મથકને જોડતા રોડનું સત્વરે કામ શરૂ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.