ધોમધખતા તાપને કારણે બપોરે રસ્તા સુમસામ બની જાય છે મોરબી : મોરબીમાં ગરમીનો પારો સતત ઊંચે સડસડાટ ચડી ગયો છે. તેથી લોકો કાળઝાળ ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા છે. બપોરે ગગનગોખેથી રીતસર અગન વર્ષા થતી હોય એમ સખત ગરમ લુથી જનજીવન આકુળ વ્યાકુળ થઈ ગયું છે. આથી ગરમ લુથી બચવા લોકો શેરડીના રસ અને લિબુ શરબતના સહારે આવી ગયા છે અને ધોમધખતા તાપને કારણે બપોરે રસ્તા સુમસામ બની જાય છે. મોરબીમાં વૈશાખ માસ શરૂ થતાંની સાથે જ સખત તાપ વધી ગયો છે. હમણાંથી ગરમ લુ જ અનુભવાતી હોવાથી લોકો રીતસર અગન વર્ષામાં શેકાય રહ્યા છે. સવારના 10 વાગ્યાથી કાળઝાળ ગરમી શરૂ થઈ જાય છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં અગનભઠ્ઠીમાં ફેરવાય જાય છે. આખો દિવસ સખત ગરમી પડે છે. જેના કારણે તમામ મકાનો રીતસર અગન લુ ફેકતા હોય એવી સ્થિતિ સર્જાઈ છે ઘણી જગ્યાએ ઓફિસો, દુકાનો અને સારા સુવિધાવાળા મકાનોમાં એસી હોવાથી રાહત રહે છે પણ ઘણીવાર લાઈટ ગુલ થઈ જાય ત્યારે બફારામાં શેકાવું પડે છે. આખો દિવસ સખત ગરમી પડ્યા બાદ મોડી સાંજે ઠંડી હવાની લહેરખી નીકળે છે અને રાત્રે એસી કરતા પણ જોરદાર કુદરતી ઠંડો પવન ફૂંકાય છે. જેથી રાતનું વાતાવરણ એકદમ ખુશનુમા બની રહે છે. સમી સાંજે લોકો હરવા ફરવા બહાર નીકળે છે અને બરફના રસગોલા, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિકસની લિજ્જત માણે છે જ્યારે દિવસભર ગરમીથી બચવા લોકો શેરડીનો રસ અને લિબુ શરબત પીવે છે. આનાથી ઘણી રાહત થાય છે. તેથી શેરડીના ચિચોડે ભારે ભીડ રહે છે.