પ્રમુખ જયેશભાઈ શાહની આગેવાનીમાં નવી ટીમે ચાર્જ સંભાળ્યો: વાર્ષિક સાધારણ સભા અને 46મી ચાર્ટર એનિવર્સરીની ઉજવણી કરાઇમોરબી: જૈન સોશ્યલ ગ્રુપ મેઈન મોરબીના નવનિયુક્ત પ્રમુખ જયેશભાઈ જી.શાહ અને તેમની સમગ્ર કારોબારી ટીમનો શપથવિધિ સમારોહ તાજેતરમાં અદમ્ય ઉત્સાહ સાથે યોજાયો હતો. આ સાથે જ સભ્યો દ્વારા ગ્રુપ ચાર્ટર થયાની 46મી એનિવર્સરીની પણ યાદગાર ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નવકાર મહામંત્રના પઠન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે વાર્ષિક સાધારણ સભા પણ યોજાઈ હતી. જેમાં ગત નાણાકીય વર્ષ 1-4-2025 થી 31-3-2026 ના ઓડિટ થયેલા આવક-જાવકના હિસાબો ટ્રેઝરર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સભામાં હાજર આશરે 70 જેટલા સભ્યોએ હાથ ઊંચા કરી સર્વાનુમતે આ હિસાબોને મંજૂરી આપી હતી. આ કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણી, સેવાભાવી અને મોરબી નગરપાલિકાના કોર્પોરેટર જયેશભાઈ દેસાઈનું ઉષ્માભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું. સત્તાવાર કાર્યવાહી અને આભારવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સભ્ય પરિવારોએ હાઉઝી ગેમની મજા માણી હતી. જેમાં વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.અંતમાં આનંદમય વાતાવરણ વચ્ચે તમામ સભ્યોએ સ્વાદિષ્ટ જૈન ડિનર માણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગ્રુપના સભ્યોએ ફેડરેશનના સૂત્ર અને સિદ્ધાંતોને ચરિતાર્થ કરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.#Morbi #MorbiNews #MorbiUpdate #JainSocialGroup #JSGMainMorbi #OathCeremony #JainCommunity