મણી મંદિર પાસે મચ્છું હોનારતના સ્તંભની નજીક જ નવા સ્તંભનું નિર્માણ મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના દિવસે જ તેના સ્મૃતિ સ્તંભનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે. જેમાં આજે મોટી સંખ્યામાં લોકોએ આ સ્તંભને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોરબીમાં 135 જેટલા લોકોનો જીવ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટના વખતે રાજવી પરિવારે આ દુર્ઘટનાના હતભાગીઓની સ્મૃતિ માટે એક સ્મૃતિ સ્તંભ બનાવવાની જાહેરાત કરી હતી. જે મુજબ આ સ્મૃતિ સ્તંભને મણી મંદિર પાસે મચ્છું હોનારતના સ્મૃતિ સ્તંભના પરિસરમાં જ બનાવવામાં આવ્યો છે. આજે સાદાઈથી આ સ્મૃતિ સ્તંભનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ મૃતકોના પરિવારજનો, શહેરીજનો અને રાજવી પરિવાર દ્વારા સ્તંભને ફુલહાર અર્પણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.