હજારો લોકોની અવર જવર જ્યાં રહે છે ત્યાનું પાર્કિંગ બંધ;આગ લાગવાની દહેશત મોરબી:મોરબીના સનાળા રોડ પર આવેલ સુપરમાર્કેટના પાર્કિંગમાં કોઈપણ જાતની મંજૂરી વગર ફટાકડાના સ્ટોલ શરૂ કરતાં વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી મોટી દુર્ઘટના સર્જાય અને મહામૂલી માનવજિંદગીનો ભોગ લેવાય એ પહેલાં આ સ્ટોલને હટાવવા માંગણી કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ સનાળા ટોડ ઉપર આવેલ સિપર માર્કેટમાં દરરોજ હજારો માણસો અવર જવર કરે છે અને ગીચ ટ્રાફિક ધરાવતા આ બિલ્ડિંગમાં પાર્કિંગની સમસ્યા કાયમી રહે છે ત્યારે અહીં કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મોટા-મોટા ફટાકડાના સ્ટોલ શરૂ કરતાં વેપારીઓ અને અહીં આવતા ગ્રાહકોની જિંદગી સામે જોખમ ઉભું થયું છે. ફટાકડા સ્ટોલ ધારક દ્વારા કોઈ મંજૂરી મેળવ્યા વગર પાર્કિંગનો કબજો લઈ લેવામાં આવતા લોકોને પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરવા પડે છે. આ સંજોગોમાં વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાકીદે આ જીવતા બૉમ્બ સમાન ફટાકડા સ્ટોલને હટાવવા માંગણી કરવામાં આવી છે અને જો આ સ્ટોલ હટાવવામાં નહીં આવેતો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.