મોરબી પોલીસ સ્ટેશન તથા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી પિટિશન રદ કરવા રાષ્ટ્રપતિ સુધી કરાઈ માંગણી: મોરબી: સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશમાં લખનઉ શહેરમાં શીયા સેન્ટ્રલ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ એક અરજી દાખલ કરી હતી. જે પ્રિન્ટ મીડિયા, ટીવી ચેનલો, અને સોશિયલ મીડિયા મારફત દેશભરમાં ફેલાતા જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વસીમ રિઝવી નામના આ શખ્સે મુસ્લિમોના ધાર્મિક ગ્રંથ કુરાન શરીફની આયાતો રદ કરવા માટે એક પિટિશન ફાઇલ કરી હતી. જેનો દેશમાં ઠેર ઠેરથી વિરોધ ઉઠી રહ્યો છે. મોરબી શહેરના સુન્ની મુસ્લિમ સેવા સમિતિના પ્રમુખ ઈમરાનભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટે.માં ઉપરોક્ત મુદ્દે ફરિયાદ નોંધાવી છે કે કુરાન શરીફની આયાતોની અવહેલના કરવા બદલ ઉપરોક્ત શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. દેશ જ્યારે કોરોના મહામારીમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને એકસંપ થઈને લડત ચલાવી રહ્યો છે ત્યારે આ પ્રકારની વિકૃતિઓ કોઈપણ કાળે ક્ષમ્ય નથી. મોરબી જિલ્લાના મુસ્લિમ બિરાદરો તેમજ શાંતિપ્રિય નાગરિકોને વસીમ રિઝવીના આ કૃત્યથી ઠેસ પહોંચી હોય એ શખ્સ સામે તાત્કાલિક ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવા માટે મોરબી સુન્ની મુસ્લિમ સેવા સમિતિના પ્રમુખ ઈમરાનભાઈ, ગુલામહુસેન ભાઈ, હાજી આમદભાઈ, રિયાજ હસનભાઈ સહિતનાઓએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી છે. આ ઉપરાંત ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ ઉપરોક્ત બાબતથી અવગત કરાવવા સંદર્ભે અને પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે મોરબી જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર વસીમ રિઝવી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પિટિશન રદ કરવા અપીલ કરી છે.