મોરબી : કોરોના અંગેની ગાઈડલાઈન્સનો રાજકીય પક્ષોને અમલ કરાવવા અંગે અને પેટા ચુંટણીઓ મોકૂફ રાખવા અંગે દલિત-મુસ્લિમ એકતા સમિતિ-મોરબી દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે ગત માર્ચ 2020થી કોરોના અન્વયે વિવિધ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવે છે. નાગરિક તેનો અમલ કરે છે પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ જાહેરમાં આવી ગાઈડલાઈન્સનું ઉલઘન કરતા જોવા મળે છે અને પરિણામ સ્વરૂપ અમુક લોકોને આવા પ્રોગ્રામમાં જવાથી કોરોના બીમારી લાગુ થયેલ છે. ગત સમય દરમિયાન દરેક તહેવારો પણ નાગરિકોએ કોરોના સંક્રમણના કારણે લાગુ ગાઈડલાઈન્સનું પાલન કરવા સાથે ઉજવ્યા છે અને કોઇપણ જગ્યાએ લોકોની ભીડ થવા નથી પામી. પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા અવાર-નવાર આ ગાઈડલાઈન્સનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. આ બાબત બહુ જ ગંભીર છે. અને આ ગાઈડલાઈન્સના ઉલ્લંઘનના કારણે નિર્દોષ લોકોને કોરોનાનું સંક્રમણ લાગુ થઈ જાય છે અને જાનનું જોખમ ઉભું થાય છે. માટે વિનંતી કરાઈ છે કે કોઇપણ રાજકીય નેતાઓની સેહ-શરમ રાખ્યા વગર કોરોનાની ગાઈડલાઈન્સનો અમલ કરાવો અને જાહેર કરો કે કોરોનાની ગાઈડલાઈન્સ તમામને લાગુ પડે છે. વિશેષમાં, આવનારા સમયમાં રાજ્યમાં પેટા ચુંટણીઓ યોજવાની શકયતાઓ સ્પષ્ટ જણાઈ રહી છે. જો આ પેટા ચુંટણીઓ યોજાશે તો જે તે વિધાનસભા વિસ્તારોમાં કોરોના સંક્રમણ ખુબ જ ફેલાશે. અને અત્યાર સુધીની નાગરિકોની કોરોના અંગેની કાળજી અને તંત્રની કામગીરી પર પાણી ફરી વળશે. માટે પેટા ચુંટણીઓ મોકૂફ રાખવાની રજુઆતમાં અપીલ કરાઈ છે.