મોરબી : ગુજરાત એસોશીએશન ઓફ ટ્રેઈનીંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોમ્પ્યુટર ક્લાસીસને શરુ કરવા દેવાની માંગણી કરવામાં આવી છે. હાલ કોવીડ ૧૯ને લઈને ટ્યુશન ક્લાસ બંધ રાખવાના નિયમોને લઈને કોમ્યુટર ક્લાસ પણ બંધ રાખવામાં આવતા હોય ક્લાસ સંચાલકોના મંડળ તરફથી સરકારને ગાઈડલાઈન અનુસરવાની બાંહેધરી સાથે ક્લાસ શરુ કરવાની મંજૂરી આપવાની લેખિત રજૂઆત કરાઈ છે. હાલ સ્કુલોમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ વેકેશનના સમયનો સદઉપયોગ કરવા માટે ટૂંકાગાળાનો કોમ્પ્યુટર કોર્ષ જોઈન કરતા હોય છે. આવા કોર્ષમાં તેઓને કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ તેમજ ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રમાં કામ આવી શકે અકે પ્રકારનું વ્યાવસાયિક નોલેજ આપવામાં આવતું હોય છે. વિદ્યાર્થી વેકેશનના સમયનો આ રીતે સદઉપયોગ કરતા હોય છે, ત્યારે જ કોમ્પ્યુટરના કલાસીસ બંધ છે. કોમ્પ્યુટર ક્લાસીસમાં રોજગારલક્ષી તાલીમ આપવામાં આવતી હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ અચૂકપણે કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરતા હોય છે. રજુઆતમાં વધુમાં જણાવ્યા અનુસાર અન્ય કલાસીસની માફક કોમ્પ્યુટર ક્લાસીસમાં વધુ ભીડ થતી હોતી નથી. વળી દરેક કોમ્પ્યુટર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ સરળ જ હોય છે. ક્લાસીસમાં નાના વિદ્યાર્થીઓ હોતા નથી. કોમ્પ્યુટર કલાસીસ યુવા પેઢીને નોકરીની સારી તકો પૂરી પાડતા હોય છે. જો સરકાર કોમ્પ્યુટર ક્લાસીસને ચલાવવાની મંજૂરી આપે તો, માસ્ક, હેન્ડ સેનીટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જેવી તમામ સરકારી, આરોગ્યલક્ષી ગાઈડલાઈન્સનું પાલન કરવાની બાંહેધરી કલાસીસના સંચાલકોએ સરકારને આપી છે. અન્ય ઓનલાઈન અભ્યાસક્રમોની માફક કોમ્પ્યુટરનું શિક્ષણ ઓનલાઈન આપવું શક્ય નથી કેમકે તેમાં દરેક તબક્કે પ્રેક્ટીકલ શિક્ષણ આપવું જરૂરી હોય છે. આથી તંત્ર વહેલી તકે કોમ્પ્યુટર ક્લાસીસને ચાલુ કરવાની મંજૂરી આપે એવી સંચાલકોએ માંગ કરી છે.