મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા યોજનાની કેનાલો જેવી કે માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, મોરબી બ્રાન્ચ આવેલી છે. આ બ્રાંચ કેનાલોના કામો છેલ્લા ઘણા વર્ષોથી પૂરા થઈ ગયેલ છે. પરંતુ તેમાંથી નીકળતી ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર, વોટર ક્રોર્ષ વગેરેના કામો હજુ પણ ઘણી જ્ગ્યાએ બાકી છે. જેના કારણે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોચતું નથી અને કમાન્ડ વિસ્તારમાં હોવા છતા આ ખેડૂતો સિંચાઇના લાભથી વંચિત છે. આ માટેની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી માઇનોર-૧૯ કેનાલ કે જે કેદારિયા-રણજીતગઢ વિસ્તારના ખેતરો માટેની છે. તેનું કામ હજુ સુધી ચાલુ થયેલ નથી. આ કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં કરવામાં આવી છે. અને જો ચાલુ કરવામાં નહિ આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે તેવી અપીલ કરાઈ છે.