નવા બનેલા રોડ પર કાંક્રેટ અને સિમેન્ટ ઉખડવા લાગતા સ્થાનિકોમાં ભારે રોષ મોરબી : મોરબીના રવાપર-ધુંનડા રોડ પર રવાપર ગામે આવેલી સોસાયટીમાં નવા બનાવેલા રોડની ખરાબ હાલત થવા લાગી હોવાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો છે. નવા બનેલા રોડ પર કાંક્રેટ અને સિમેન્ટ ઉખડવા લાગતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી, સોસાયટીના રહીશોએ તેમની સોસાયટીમાં રોડનું કામ ઘણું નબળું થયાની ટીડીઓને રજુઆત કરી આ બાબતે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. રવાપર-ધુનડા રોડ પર રવાપર ગામે આવેલી ઉમિયાનગર-1 રામસેતુ સોસાયટીના રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી કે તેમની સોસાયટીમાં નવા રોડ બનાવવાની છેલ્લા પાંચ વર્ષની રજુઆતના અંતે નવો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો અને આ રોડનું કામ થયું છે. પણ કોન્ટ્રાક્ટરે નવા રોડ બનાવવામાં રીતસર લોટ પાણીને લાકડા જેવી હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરતા રોડનું કામ ઘણું જ નબળું થયું છે. નવા રોડ પર કાંક્રેટ અને સિમેન્ટ ઉખડવા લાવ્યો છે. કોન્ટ્રાક્ટરે આ રોડના કામમાં 30 ટકા પણ સિમેન્ટ વાપર્યો નથી અને એકદમ હલકી કક્ષાનો સિમેન્ટ વાપર્યો છે. જેથી, રોડ ધૂળધાણી થવા લાગ્યો છે. રોડ પર જાણે સિમેન્ટ જામ્યો જ ન હોય તેમ રોડ પર લીટા કરતા ઉખડી જાય છે. આ રોડનું કામ પણ હજુ અધુરું છે. આથી, આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને ખૂબ જ નબળી રીતે થતા રોડના કામને બંધ કરીને રોડનું યોગ્ય રીતે કામ થાય તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate