ગત દિવાળી કરતા આ વખતે 4 લાખ જેવી આવક વધી, મોટાભાગની બસો ભરચક્ક રહીમોરબી : મોરબીમાં ઘણા લોકો દિવાળીનું મીની વેકેશન માણવા બહારગામ જવાના હોય એસટી તંત્રએ દિવાળી નિમિતે વધારાના ટ્રાફિકને પહોંચી વળવા આગોતરા વ્યવસ્થા કરી હતી. જેમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા દાહોદ ગોધરા સહિતના સ્થળોએ 22 એક્સ્ટ્રા એસટી બસો દોડાવી હતી. આથી મોરબી એસટી તંત્રને દિવાળી નિમિતે રૂ.7 લાખ જેવી આવક થઈ હતી. ગત દિવાળી કરતા આ વખતે 4 લાખ જેવી આવક વધી છે.મોરબી એસટી ડેપો મેનેજર એ.એન. પઢીયારે જણાવ્યું હતું કે, દિવાળી પર્વ ઉપર એસટીમાં ભારે ધસારો રહ્યો હતો. એમાંય દાહોદ, ગોધરા, કવાંટ, છોટા ઉદેપુર, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના અનેક સ્થળોએ બસમાં ભારે ટ્રાફિક રહ્યો હતો. દાહોદ, ગોધરા, કવાંટ, છોટા ઉદેપુર બાજુ સૌથી વધુ ટ્રાફિક રહ્યો એનું કારણ એ છે કે, આ સ્થળોના મોટા પ્રમાણમાં શ્રમિકો પોતાના પરિવારો સાથે મોરબી આસપાસ ખેતર, વાડીમાં રહીને ખેતમજુરી કરતા હોય અને વર્ષેમાં એકવાર દિવાળી ઉજવવા પોતાના વતન જતા હોવાથી તેમના વતનમાં જવા માટે 16 જેટલી એસટી બસ દોડાવવામાં આવી હતી અને આ સ્થળોએ જવા માટે દરેક બસો ભરચક્ક જ રહી હતી. જો કે ગયા વખતે જે સ્થળે લોકો બુકિંગ કરાવે એ સ્થળે એસટી બસ પિકઅપ કરવા જતી પણ આ વખતે આવી સુવિધા રાખી ન હોય પણ દાહોદ, ગોધરા, અમદાવાદ કે સુરત સહિતના સ્થળોએ જવા માટે બસ સ્ટેન્ડમાં 50થી વધુ લોકો સમૂહમાં આવી જતા હોય તો તેમને એકી સાથે સમૂહમાં જે તે સ્થળે જવા માટે બસો ફાળવી દેતા હતા. આવી રીતે ત્રણ દિવસમાં 17 બસો દોડાવી હતી.જ્યારે રાજકોટ અને જામનગર બાજુ વધુ ટ્રાફિક હોવાથી વાંકાનેર અને ધાગંધ્રા એસટી ડેપોએ સારો સહયોગ આપ્યો હતો. ધાગંધ્રા ડેપોએ પણ 5થી 10 બસ ફાળવી હતી. મોરબી રાજકોટ વચ્ચે જેટલી બસો દોડે છે એનું વાંકાનેર ડેપો દ્વારા સંચાલન કરાતું હોય આ દિવાળી નિમિતે વાંકાનેર ડેપોએ 20 જેટલી બસો ફાળવતા આ બસો મોરબી ડેપો થ્રુ જે તે સ્થળે દોડાવવામાં આવી હતી. મોરબી ડેપોએ 22 બસોની 52 ટ્રીપ અને ધાગંધ્રા, વાંકાનેર ડેપોની મળીને 50થી વધુ બસો દોડાવવામાં આવી હતી. આથી આ દિવાળીના તહેવારોમાં એસટી ડેપોને 7 લાખ જેટલી આવક થઈ હતી. જે ગત વર્ષ કરતા 4 લાખ જેટલી વધુ આવક થઈ છે.