180 કર્મચારોઓ રજા રિપોર્ટ મૂકીને રાજ્યભરની એસટી હડતાલમાં જોડાશે : પડતર પ્રશ્ને સરકારે નમતું ન જોખતા એસટી યુનિયન આક્રમક બન્યું મોરબી : મોરબી એસટી ડેપોની 54 જેટલી એસટી બસોના આજ તારીખ 20 ફેબ્રુઆરીની રાત્રીના 12 વાગ્યાથી પૈડાં થંભી જશે. પડતર પ્રશ્ને સરકારે નમતું ન જોખતા એસટી યુનિયન આક્રમક બનીને આજ રાત્રિથી રાજ્યભરમાં એસટીની હડતાલ કરવાનું એલાન આપ્યું છે .જેમાં મોરબી એસટી ડેપોના 180 જેટલા કર્મચારીઓએ રજા રિપોર્ટ મૂકીને આ રાજ્યભરની એસટી હડતાલમાં જોડાશે. એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓએ તા.18 અને 19ના રોજ પડતર માગણીઓના મુદ્દે સરકાર સામે ધરણા કરીને દેખાવો કર્યા હતા તેમ છતાં સરકારે એસટીના કર્મચારીઓના પડતર પ્રશ્ને કોઈ નિરાકરણ ન લાવતા એસટી યુનિયન આ મામલે સરકાર સામે લડી લેવાના મુડમાં હોય તેમ આજ તારીખ 20 ફેબ્રુઆરીની મધરાતથી આવશ્યક એસટી સુવિધાઓ ખોરવી દેવાનું એલાન કર્યું છે. એ સાથે જ આજ રાત્રીના 12 વાગ્યાથી રાજ્યભરની એસટી બસોના પૈડાં થંભી જશે. જેમાં મોરબીના એસટીના કર્મચારીઓ પણ જોડાયા છે. તેથી મોરબી એસટી ડેપોની 54 એસટી બસોના પૈડાં થભી જશે. મોરબીમાં એસટી હડતાલ અંગે એસટીના ડેપો મૅનેજર દિલીપ શામલાએ જણાવ્યું હતું કે મોરબીના ગ્રામ્ય વિસ્તારો અને એક્સપ્રેસ મળી કે કુલ 54 બસો છે અને રાજ્યભરની એસટી બસ હડતાળમાં જોડાવવા માટે મોરબી એસટી ડેપોના 180 કર્મચારીઓના રજા રિપોર્ટ આવ્યા છે. આજ તારીખ 20 ફેબ્રુઆરીની રાત્રિથી આ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે. જોકે આ અંગે હજું સુધી સરકારમાંથી કોઈ નિર્ણય આવ્યો નથી અને એસટી કર્મચારીઓની આ એક દિવસની હડતાલ હોવાનું જાણવા મળ્યું છે. જોકે એસટીની હળતાલથી સેંકડો મુસાફરો રઝળી પડશે.