જન્માષ્ટમી તહેવારમાં પણ દાહોદ, રાજકોટ અને જામનગર રૂટમાં એક્સ્ટ્રા બસ મુકાશેમોરબી : સીરામીક નગરી મોરબીમાં ઔદ્યોગિક વિકાસને કારણે સમગ્ર રાજ્ય ઉપરાંત ભારતભરના નાગરિકો વસવાટ કરી રહ્યા છે ત્યારે તહેવારના દિવસોમાં મોરબીથી રાજકોટ, જામનગર, અમદાવાદ, દાહોદ સહિતના શહેરોમાં વસવાટ કરતા કામદારો વતનભણી જતા હોય એસટી વિભાગને વધારાની આવક મળતી હોય છે. રક્ષાબંધન પર્વ ઉપર પણ એક્સ્ટ્રા બસના સંચાલનને પગલે મોરબી એસટી ડેપોને ત્રણ દિવસ દરમિયાન સામાન્ય કરતા બે ગણી જેટલી આવક થઇ હતી. ત્રણ દિવસ દરમિયાન એસટી વિભાગને કુલ 16.89 લાખની આવક થઇ હતી.મોરબીમાં રક્ષાબંધન પર્વને અનુલક્ષીને મોરબી એસટી ડેપો દ્વારા તા.8,9 અને 10 ઓગસ્ટના રોજ રાજકોટ, જામનગર, દાહોદ, અમદાવાદ સહિતના રૂટ ઉપર વધારાની બસ દોડાવતા મોરબી ડેપોને તા. 8 ના રોજ રૂ.4,99,829, તા.9 ઓગસ્ટના રોજ સૌથી વધુ રૂ.6,59,657 અને તા.10ના રોજ રૂ.5,29,581ની આવક થઇ હતી. સામાન્ય રીતે મોરબી એસટી ડેપોને દૈનિક સરેરાશ 3થી 3.50 લાખ રૂપિયાની આવક થતી હોય છે જેની સામે મોરબીથી રક્ષાબંધન પર્વ નિમિતે ચિક્કાર ગીર્દી રહેતા ત્રણ દિવસમાં જ 16,89,167ની આવક થઇ હતી.મોરબી વિભાગીય એસટી ડેપો મેનેજર અનિલ પઢારીયાએ જણાવ્યું હતું કે, મોરબી એસટી વિભાગ દ્વારા મુસાફરોને અગવડતા ન પડે તેમ માટે રક્ષાબંધન પર્વ ઉપર એક્સ્ટ્રા બસનું સંચાલન કરતા એસટી ડેપોને ફાયદો થયો છે. આ જ રીતે આગામી સાતમ-આઠમના તહેવાર દરમિયાન પણ મોરબી એસટી ડેપો દ્વારા રાજકોટ, જામનગર, અમદાવાદ અને દાહોદ સહિતના રૂટ ઉપર જરૂરત મુજબ એક્સ્ટ્રા બસ દોડાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવશે.