1667 મુસાફરોએ દાહોદ બાજુ મુસાફરી કરી મોરબી : મોરબી પંથકમાં દાહોદ ,ગોધરા અને પંચમહાલ જિલ્લાના મોટા પ્રમાણમાં મજૂરો તેમના માદરે વતન છોડીને અહીં અવીને રોજીરોટી માટે ખેતમજૂરી કરે છે.ત્યારે આ ખેતમજૂરી કરતા દાહોદ બાજુના શ્રમિકો વર્ષમાં એક વાર હોળી ઉજવવા માટે પોતાના માદરે વતન જતા હોય છે.તેથી હોળીના તહેવારોની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં શ્રમિકોએ પોતાના માદરે વતન જવા ઘસારો કર્યો હતો.તેથી દાહોદ બાજુની એસટી બસો ભરચકક જોવા મળી હતી અને જેથી એસટી તંત્રને પણ સારો એવો ધનલાભ થયો છે. મોરબી એસટી તંત્રએ હોળી ધૂળેટીના તહેવારોમાં દાહોદ બાજુના વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા એસટી બસો દોડાવી હતી.જેમાં દાહોદ ,ગોધરા અને પંચમહાલ બાજુ વધારાની એસટી બસો ફાળવતા મોરબી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા દાહોદ બાજુના શ્રમિકોએ હોળીના તહેવારોની પોતાના માદરે વતનમાં ઉજવણી કરવા માટે ભારે ઘસારો કર્યો હતો.જેથી દાહોદ બાજુની બસો ભરચકક જોવા મળી હતી.જેમાં એસટી તંત્રએ ગત તા.2 માર્ચથી 8 માર્ચ સુધી ફાળવેલી એક્સ્ટ્રા બસો 18165 કિમી ચાલી હતી.જેનો કુલ 1667 મુસાફરોએ લાભ લીધો હતો.આ વધારાની બસોથી મોરબી એસટી તંત્રને હોળી ધુળેટીના તહેવારોમાં કુલ રૂ.4 લાખનો નફો થયો હતો.