બસ નિયત રૂટ સુધી ન જવાની સાથે મોડી ઉપડતી હોવાની ફરિયાદ મોરબી : મોરબી - કુંભારીયા રૂટની એસટી બસ નિયમિત ન હોવાની સાથે ઘાટીલા સુધી ન જતી હોવાને કારણે મુસાફરોએ નવા બસ સ્ટેન્ડમાં બઘડાટીં બોલાવી કલાકો સુધી બસ રોકી રાખતા અંતે પોલીસ બોલાવી પડી હતી અને પાંચ મુસાફરોની અટકાયત કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી થી કુંભારીયા રૂટની એસટી બસ છેલ્લા ઘણા સમયથી નિયમિત ઉપડતી ન હોવાની સાથે બસ નિયત રૂટ મુજબ ઘાટીલા સુધી જતી ન હોવાથી મુસાફરો વિફરયા હતા અને બસ સ્ટેન્ડમાં જ બસ કલાકો સુધી રોકી રાખી હતી. દરમિયાન બસ ને ઘાટીલા સુધી કેમ નથી લઈ જવાતી તેવા મુસાફરોના જવાબ માં ડ્રાંઇવરે ઉદ્ધત વર્તન કરી બસ ઘાટીલા નહિ જ જાય તેવું જણાવતા મુસાફરોનો ગુસ્સો વધ્યો હતો. બાદમાં મામલો બીચકતા અંતે એસટીના અધિકારીઓએ પોલીસ બોલાવી પડી હતી અને પાંચ મુસાફરોની અટકાયત કરી ત્યારબાદ બસ રવાના થઈ હતી.