ત્રણેય શખ્સોએ રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી પાંચેય બાઇકની ઉઠાંતરી કરી 'તી મોરબી : મોરબી એસઓજી ટીમે પાંચ ચોરાઉ બાઇક સાથે ત્રિપુટીને ઝડપી પાડી છે. આ ત્રણેય શખ્સોએ રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી પાંચેય બાઇકની ચોરી કરી હોવાની કેફિયત આપી છે. હાલ આ ત્રણેય શખ્સો સામે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજીના ઇન્સ્પેક્ટર એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ અનિલભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ પટેલ, જ્યપાલસિંહ ઝાલા તથા નરેન્દ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે વિશિપરામાંથી બાઇક ચોર ગેંગના દાઉદ ઉર્ફે ડાડો કાદર મુલ્લા ઉ.વ. 21 રહે. સુરજબારી, સાઉદીન આમદભાઈ સંઘવાણી ઉ.વ. 20 રહે. માળિયા અને હુસેન ઉર્ફે અમલી નૂરમહમદ લધાણી ઉ.વ.21 રહે. સુરજબારીવાળાને પાંચ ચોરાઉ બાઇક કિંમત રૂ. 75 હજાર સાથે પકડી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીએ પ્રાથમિક પૂછપરછમા ત્રણ બાઇક રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન તેમજ બે બાઇક રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત આપેલ છે. હાલ એસઓજી દ્વારા આ ત્રણેય શખ્સોને બી ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.