પત્નીની તબિયત નાદુરસ્ત હોવાથી ૩૦ દિવસના જામીન માટે કરી હતી અરજી મોરબી : સિંચાઈ કૌભાંડમાં જેલ હવાલે રહેલા કોન્ટ્રાકટર ચૈતન્ય પંડ્યાએ પત્ની બીમાર હોવાથી વધુ એક વાર ૩૦ દિવસના જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા મહાકૌભાંડમાં સંડોવાયેલા હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાની, નિવૃત કાર્યપાલક ઈજનેર સી.ડી.કાનાણી, કોન્ટ્રાકટર ચૈતન્ય જયંતિલાલ પંડયા, મજુર મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેના પગલે આરોપીઓ છેલ્લા ત્રણ માસથી જેલવાસ ભોગવી રહ્યા છે. આ દરમિયાન કોન્ટ્રાકટર ચૈતન્ય પંડ્યાએ તેમના પત્નીની તબિયત નાદુરસ્ત હોવાથી ૩૦ દિવસની જામીન મેળવવા માટે મેડિકલ સર્ટિફિકેટના આધારે વધુ એક વાર અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ જામીન અરજી નામંજૂર કરી હતી. આ અરજી વખતે સરકારી વકીલ વિજય જાનીએ ધારદાર દલીલો રજૂ કરી હતી.