હુડો - ટીટોડાના રાસની ધૂમ વચ્ચે હૈયે - હૈયું દળાય તેવી ભીડ : ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ૨૨૫ સુરક્ષા જવાનો ખડેપગે મોરબી : મોરબીમાં આજે અષાઢી બીજના પાવન અવસરે રબારી-ભરવાડ સમાજ દ્વારા પરંપરાગત મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. રથયાત્રાને લઈને પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ ૨૨૫ જેટલા જવાનોનો કાફલો રથયાત્રા દરમિયાન ખડેપગે રહયો છે અને હૈયે હૈયું દળાય તેવી ભીડ વચ્ચે લોકો આસ્થાભેર રથયાત્રામાં જોડાયા છે. મોરબી ખાતે બિરાજતા માં મચ્છુ માતાજી મંદિર દ્વારા વર્ષોથી અષાઢી બીજના પાવન અવસરે મચ્છુ માતાજીના પ્રાગટય દિનની ઉજવણી કરે છે. આ ઉજવણી અંતર્ગત વર્ષોથી રબારી-ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અષાઢી બીજના પાવન અવસરે સવારે ૯:૩૦ કલાકે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાની જગ્યા ખાતેથી મચ્છુ માતાની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. વિશાળ રથયાત્રા દરમિયાન ગીત સંગીતના સથવારે રબારી-ભરવાડ સમાજના યુવાનો ઝૂમી ઉઠયા હતા. અને હુડો ટીટોડો જેવા પરંપરાગત નૃત્ય અને રસ ગરબા સાથે અનોખો માહોલ સર્જાયો હતો, રથયાત્રાના નિર્ધારિત રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડી છાસ, સરબત, લચ્છીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજના પાવન અવસરે મહાપ્રસાદ અને રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાને લઈને એસ.પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એક પીઆઇ, ૫ પીએસઆઇ, ૮૯ પોલીસ જવાનો, ૧૯ હોમગાર્ડ, ૭૦ જીઆરડી અને ૪૦ ટ્રાફિક જવાનો મળી કુલ ૨૨૫ જવાનોનો કાફલો ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='26655,26653,26654,26652,26656']