મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા મહેસુલી કર્મચારીઓની માગણીઓ સ્વીકારી હડતાળનો અંત લાવવા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆત અનુસાર ગત તારીખ 9 ડિસેમ્બરથી નાયબ મામલતદારો અને ક્લાર્કઓ તેઓની જુદી-જુદી માંગણીઓને લઇને હડતાળ પર ઉતરેલ છે. આ હડતાળના કારણે જિલ્લાના દરેક તાલુકા મથકે અરજદારોને પરેશાની ભોગવવી પડે છે. વધુમાં હાલમાં હડતાળ દ્વારા રેવન્યુ તલાટી દ્વારા જે રેકોર્ડ ઉપર સહી કરાવવામાં આવે છે, તે ભવિષ્યમાં માન્ય રહેશે કે કેમ તે સવાલ છે અને જો માન્ય ન રહે તો પ્રજા સાથે છેતરપિંડી થઈ રહી હોય તેવું લાગે છે. મોરબી જિલ્લામાં કુલ ૮૬ નાયબ મામલતદારનું મહેકમ છે. જેની સામે ૪૮ નાયબ મામલતદારની જગ્યા ભરાઇ છે અને 38 જગ્યા ખાલી છે. એવી જ રીતે ગ્રામ પંચાયતોમાં પૂરતા તલાટી-કમ-મંત્રી નથી તો રેવન્યુ તલાટીને તલાટી કમ મંત્રીમાં મર્જ કરી દરેક ગામમાં તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે તો નીચે મુજબના કામ થઈ શકે છે. 1. લોકોને આવકનો દાખલો, સહાયની અરજી, પહાણી પત્રક કે જમીનને લગતા મામલાઓ માટે જુદા જુદા તલાટી પાસે જવું નહીં પડે. 2. ગામમાં જ તલાટી મંત્રીની મુલાકાત થઇ શકતી હોય તો તાલુકા સ્થળ સુધી અરજદારોને ધક્કા ખાવા નહીં પડે. 3. ગામદીઠ એક તલાટી થવાથી તલાટીને એકથી વધુ ગામના ચાર્જ નહીં રહે. આથી, મોરબી તાલુકા સરપંચ એસોસીએશનની એવી માગણી છે કે સરકાર તાત્કાલિક હડતાળનો સુખદ અંત લાવે. જેથી, પ્રજાને પડતી મુશ્કેલીઓ દુર કરવામાં આવે.