સ્થાનિક રહીશોએ જવાબદાર ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરી દબાણ ખુલ્લું કરવાની માંગ કરી મોરબી: સામાકાંઠા વિસ્તારમાં સાર્વજનિક હેતુ માટે વપરાતી સરકારી જમીનમાં કેટલાક ભુમાફિયાઓએ ગેરકાયદે દબાણ કરીને પચાવી પાડ્યાની ફરીયાદ સાથે સ્થાનિક રહીશોએ કલેકટર અને એસપીને રજુઆત કરી જવાબદાર ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી દબાણ ખુલ્લું કરવાની માંગ કરી છે. મોરબીના સામાકાઠે સો - ઓરડી મેઈન રોડ ઉપર આવેલા રામદેવનગરમાં રહેતા પ્રવિણભાઈ મુળજીભાઈ રાઠોડે કલેકટર અને એસપીને લેખિતમાં ફરીયાદ કરી છે કે, રામદેવનગર, ઉમીયાનગર વિસ્તારને લાગુ પડતી આશરે 7 થી 8 વિઘા સરકારી પડતર જમીન સાર્વજનીક ઉપયોગ માટે રહેલી છે.આ જમીનનો સ્થાનિક રહીશો લગ્ન પ્રસંગ ,પાર્કિંગ તથા સામાજીક કાર્યક્રમો માટે ઉપયોગ કરે છે.પરંતુ અમુક ભુમાફિયા તત્વોએ આ સરકારી જમીનમાં દબાણ કર્યું છે.આશરે ૨૦ દિવસથી આ સરકારી જમીન પર બહારના ઈસમો દ્વારા ફેન્સીંગ વાડ કરી કબ્જો જમાવવાની કોશીશ થઈ રહી છે. આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર પોલીસ મથકે અરજીઓ કરી છે. પરંતુ ગેરકાયદે બાંધકામ કરનાર ભુમાફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ સરકારી જમીન તેમના વિસ્તારમાં અનેક ઘર વિહોણા લોકો માટે રહેણાંક પ્લોટ તથા ડો. આંબેડકર હોલ સ્મારક બનાવવા માટે ખુલ્લી રાખવાની માંગ કરી છે. તેમજ સરકારી જમીન વારંવાર વહેચી નાખીને લાખો રૂપીયાનું ફુલેકું ફેરવનાર સામે કડક કાર્યવાહી કરી દબાણને દુર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.