મંદિરોમાં સવારથી જ શનિદેવના પૂજન અર્ચન અર્થે ભાવિકોની ભીડ મોરબી : મોરબીમાં શનિદેવના ત્રણ મંદિરો આવેલા છે. આ શનિ મંદિરો પ્રત્યે લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આજે મંગળવારે શનિજયંતિ નિમિતે મોરબીના ત્રણેય શનિ મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ શનિ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મોરબીના નવલખી રોડ પર અક્ષરધામ પાર્કમાં આવેલા શનિ મંદિરે આજે મંગળવારે શનિજયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જેમાં હવન , મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શનિદેવના ભક્તો તેલ, અડદ, માળા, શ્રીફળ, કાળું કાપડ ચડાવીને શનિદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે. રવાપર રોડ પર આવેલા પરસોતમ ચોક પાસેના શનિમંદિરે આજે સવારે હવન યોજાયો હતો. આ સાથે ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે આવેલા શનિ મંદિરે સવારે પૂજા અર્ચના કરવામાં આવી હતી. બાદમાં આજે સાંજે ધૂન અને મહાપ્રસાદ અને ધૂનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.