મોરબી : ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મોરબી ખાતે મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલતી સખી વન સ્ટોપ સેન્ટરમાં તારીખ 6 ઓગસ્ટના રોજ મહિલા હેલ્પલાઇન 181 દ્વારા એક ભૂલી પડી ગયેલી મહિલા આવી હતી. જેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.આ મહિલા છેલ્લા આઠ -દસ દિવસથી ઘરેથી નીકળી ગઈ હતી. તેઓની તબિયત સારી ન હોય અને ભૂલથી ગુજરાતની ટ્રેનમાં બેસી જતા તેઓ ટ્રેન મારફતે મોરબી પહોંચ્યા હતા. જ્યાં આઠેક દિવસથી ભટકતું જીવન જીવતા હતા. જેથી એક જાગૃત નાગરિકે 181 માં ફોન કરીને અને આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકી ગયા હતા. ત્યારબાદ આ મહિલાનું કાઉન્સિલિંગ કરતા તેઓ મધ્યપ્રદેશના લરછુઆ બંશકારના રહેવાસી હોવાનું જાણવા મળતા ત્યાંના પોલીસનો સંપર્ક કરીને મહિલાના પતિ તથા ભાઈ સાથે વાતચીત કરી હતી અને તેઓને મોરબી બોલાવ્યા હતા. ગઈકાલે તારીખ 10 ઓગસ્ટના રોજ મહિલાનું પતિ અને ભાઈ સાથે મિલન કરાવી માનવતાનું કામ કર્યું હતું. આ તકે મહિલાના પરિવારે પણ સખી વન સ્ટોપ સેન્ટર મોરબીનો આભાર વ્યક્ત કર્યો હતો.