મોરબી: મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હાલમાં ચાલી રહેલી નવી વોર્ડ રચના અને સીમાંકનની પ્રક્રિયાને લઇ રચના સોસાયટી અને કર્મચારી સોસાયટીના રહીશોએ તેમના વિસ્તારને અન્ય વોર્ડમાં સમાવવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે.અરજદારોના જણાવ્યા અનુસાર, અગાઉ તેમનો વિસ્તાર વોર્ડ નં. 4 માં સમાવિષ્ટ હતો, જે નવા સીમાંકન મુજબ હવે વોર્ડ નં. 5 માં આવે છે. જોકે, આ નવી રચનામાં સોસાયટીના 404 જેટલા મતદારોના વિસ્તારને ત્રાજપર ગામ સાથે જોડવામાં આવ્યો છે. રહીશોની મુખ્ય દલીલ છે કે ભૌગોલિક અંતર અને વહીવટી કારણોસર તેમને મતદાન કરવામાં તેમજ પાયાની સુવિધાઓ અને વિકાસના કામો કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે.સરકારી કર્મચારી એલ.ઈ. કોલેજ સરકારી ઘર બાંધનારી મંડળી' અને સરકારી કર્મચારી પ્રોગ્રેસીવ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખો દ્વારા સંયુક્ત રીતે આ મામલે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જો આ વિસ્તારને ત્રાજપર સાથે જોડવામાં આવશે તો સ્થાનિક વિકાસ રૂંધાવાની પૂરી શક્યતા છે. રહીશોએ 404 મતદારોના હિતમાં આ નિર્ણય બદલી તેમને ફરીથી વોર્ડ નં. 5 માં જ યથાવત રાખવા અપીલ કરી છે.