મોંઘી ફી ભરીને અભ્યાસ કરો તો જ સારા માર્ક્સ આવે તેવી ધારણાને ખોટી સાબિત કરતી રાધિકા મુછડીયામોરબી : આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની એક રીક્ષા ચાલકની દીકરીએ સરકારી શાળામાં અભ્યાસ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી માન્યતા હોય છે કે, જો મોંઘી ફી ભરીને ખાનગી શાળામાં અભ્યાસ કરીએ તો સારા માર્ક્સ મેળવી શકાય, પરંતુ આ ધારણાને મોરબીની વિદ્યાર્થિની રાધિકા કમલેશભાઈ મુછડીયાએ ખોટી પાડી છે. રાધિકા મુછડીયાએ સરકારી શાળામાં અભ્યાસ કરીને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 97.88 પીઆર મેળવ્યા છે.મોરબીના ઈન્દિરા નગરમાં રહેતા અને રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા કમલેશભાઈ મુછડીયાની દીકરી રાધિકા મુછડીયાએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 97.88 પીઆર મેળવ્યા છે. રાધિકાએ પોતાનો અભ્યાસ મોટી બરાર મોર્ડન સ્કૂલમાં કર્યો છે. છેલ્લા 4 વર્ષથી તે મોટી બરાર મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કરે છે. ધોરણ 10માં પણ તેણીએ 98.99 પીઆર મેળવ્યા હતા અને હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ ઝળહળતી સફળતા મેળવી છે. રાધિકાએ ગ્રુપ બીમાં કેમેસ્ટ્રીમાં 90 ગુણ, ફિઝિક્સમાં 91 ગુણ અને બાયોલોજીમાં 92 ગુણ મેળવ્યા છે. આમ તેણીએ કુલ 650માંથી 576 ગુણ પ્રાપ્ત કર્યા છે અને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.પરિણામ બાદ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં રાધિકા મુછડીયાએ જણાવ્યું હતું કે, તેણી મોટી બરાર મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને સ્કૂલની જ હોસ્ટેલમાં રહેતી હતી. તે દરરોજ 12-13 કલાક વાંચન કરતી હતી. નિયમિત વહેલી ઉઠીને વાંચન કરવું અને સાંજે મોડે સુધી વાંચન કરવાથી તેણીને આ સફળતા મળી છે. કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો તે તુરંત જ શિક્ષકોને પુછીને ડાઉટ સોલ્વ કરી લેતી હતી. ખૂબ જ મહેનત અને લગન સાથે તેણીએ તૈયારી કરી હતી. સાથે જ માતા-પિતા અને હોસ્ટેલ-સ્કૂલ તરફથી તેને ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. હવે તે ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરવા માગે છે.#result #radhikamuchhadiya #science #motibarar #governmentschool #morbiupdate #morbinews