દુકાનોના પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી : રોડ ઉપર કચરો કરનાર શો-રૂમ અને દુકાનધારકો પાસે કચરો સાફ કરાવાયોમોરબી : મોરબીના રવાપર રોડ ઉપર મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે સાંજના સમયે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર અને ગંદકી ફેલાવનાર અનેક વેપારીઓ સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી મહાપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. હાલ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પણ સતત એક મહિનાથી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેવામાં આજે મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં ડેપ્યુટી કમિશનર અને અન્ય શાખાના અધિકારીઓની ફૌજે રવાપર રોડ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં દુકાને-દુકાને જઈ મહાપાલિકાના અધિકારીઓએ ચેકીંગ કર્યું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર વેપારીઓને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત જે દુકાનોની બહાર રોડ ઉપર કચરો હતો તેઓને પણ દંડ ફટકારી તેની પાસેથી જ કચરો લેવડાવામાં આવ્યો હતો. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે આજે રવાપર રોડ ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટીક અને સ્વચ્છતાને લઈને ચેકીંગ કરવામાં આવ્યું છે. વેપારીઓને અપીલ છે કે તેઓ જ્યાં ત્યાં રોડ ઉપર કચરો ન નાખે. ખાસ કરીને તેઓની દુકાનની બહારના વિસ્તારમાં સ્વચ્છતા જાળવી રાખે.