આરોપી સગીરાને ભગાડી ગયો હતો, મોરબી પોલીસના બે જવાનો નીડરતાથી આરોપી સુધી પહોંચ્યા અને સ્થાનિકોને ચખ્મો આપી આરોપી અને સગીરાને મોરબી લઈ આવ્યામોરબી : મોરબીમાંથી એક સગીરાને ભગાડી જઇ પશ્ચિમ બંગાળના જોખમી એવા ત્રાસવાદી વિસ્તારમાં છુપાઈને બેઠેલા શખ્સને મોરબીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલે ત્યાં જઈ દબોચી લઈને સગીરાને છોડાવી બન્નેને અહીં લઈ આવ્યા છે. મળતી માહિતી અનુસાર અંદાજે બે મહિના પૂર્વે રણજીત કલીપદા મન્ના ઉ.વ.-૨૦ નામનો આરોપી લાલપર ગામ પાસે સ્ટાર સિરામિક પાસેથી એક 17 વર્ષની સગીરાને ભગાડીને લઈ ગયો હતો. જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપી સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન આરોપીનું લોકેશન પશ્ચિમ બંગાળના મેદનીપુરના તેરાપરારા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પીએસઆઈ એ.બી.મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવીએ આ આરોપી અને ભોગ બનનારને લઈ આવવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. તેઓ ટ્રેનમાં હાવડા પહોંચ્યા હતા. જ્યાંથી કારમાં તેઓ મેદનીપુર પહોંચ્યા હતા. અહીં તેઓ સ્થાનિક પોલીસને મળ્યા હતાં. જ્યાં સ્થાનિક પોલીસે તેમને આ વિસ્તાર જોખમી હોવાનું અને પરત જવાનું કહ્યું હતું. સ્થાનિક પોલીસ આરોપીના ઠેકાણે જવામાં ડરતી હતી. પણ પીએસઆઈ એ.બી.મિશ્રા ટસના મસ થયા ન હતા અને તેઓએ આરોપીને લીધા વગર ન જવાનું સ્પષ્ટ કહ્યું હતું. બાદમાં પીએસઆઈ એ.બી.મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવીએ એક સ્થાનિક વ્યક્તિને વિશ્વાસમાં લઈ આરોપીનું ચોક્કસ લોકેશન શોધ્યું હતું. આ વિસ્તાર એવો હતો કે ત્યાં કાર પણ જઈ શકે તેમ ન હતી. જેથી તેઓ બાઇક લઈને આરોપીના રહેઠાણ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ આવ્યાની વાત વાયુવેગે ફરતા સ્થાનિકોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલને ઘેરી લીધા હતા. બાદમાં સ્થાનિકોએ એવું કહ્યું કે સગીરાને લઈ જવી હોય તો લઈ જાવ, પણ આરોપીને લઈ જવા નહિ દઈએ તેવું સ્પષ્ટપણે કહી દીધું હતું. જો કે પીએસઆઈ એ.બી.મિશ્રાએ આરોપીનું નિવેદન લેવાનું હોવાથી માત્ર મેદનીપુર પોલીસ સ્ટેશન સુધી લઈ જવો પડશે તેવું કહી સ્થાનિકોને ફોસલાવ્યાં હતા. બાદમાં સ્થાનિકો માની જતા આરોપી અને ભોગ બનનારને તેઓ મેદનીપુર પોલીસ મથકે લઈ આવ્યા હતા.જો કે થોડી જ વારમાં પોલીસ મથકે પણ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પણ આ દરમિયાન પીએસઆઇ એ.બી.મિશ્રા સૂઝબૂઝ વાપરી ત્યાંથી આરોપી અને સગીરાને કારમાં લઈ નીકળી ગયા હતા. તેઓ દશેક કિમિ આગળ ગયા ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા તેમનો મોબાઈલ ઉપર સંપર્ક કરી આરોપીને પરત મૂકી જવા કાકલૂદી કરવામાં આવી હતી. પણ પીએસઆઈ એ.બી.મિશ્રાએ સ્થાનિક પોલીસને સ્પષ્ટ જણાવ્યું કે તમને સ્થાનિક લોકોનું પ્રેસર છે. પણ હવે આરોપીની કસ્ટડી રેકોર્ડ ઉપર અમારી પાસે છે એટલે અમે નિયમોનુસાર કાર્યવાહી કરીશું. બાદમાં તેઓ સાડા ત્રણ કલાકની સફર કરી હાવડા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓએ ટીટીને સમગ્ર બનાવ જણાવી સેકન્ડ એસી કોચમાં બાથરૂમની બાજુમાં એટેન્ડેન્ટની સીટ ઉપર બેસાડી આરોપી અને સગીરા બંનેને મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લઈ આવ્યા હતા. આમ મોરબી પોલીસના બે જવાનોએ બહાદુરી દેખાડી આરોપીને દબોચી લઈ સગીરાને મુક્ત કરાવી હતી.