પરિવારમાં ખુશીનો માહોલ: પિતા અને ભાઈએ વ્યક્ત કર્યો આનંદ : 25 વર્ષની નાની ઉંમરે ગુજરાતના સૌથી યુવા મેયર બનવાનું બહુમાનમોરબી : મોરબી મહાનગરપાલિકામાં મેયર તરીકે ઉત્તમ સુરાણીની વરણી થતા તેમના પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા અને પ્રથમ વખત જ ચૂંટણી લડીને મેયર પદ સુધી પહોંચેલા ઉત્તમ સુરાણીના પિતા મહેશભાઈ રાઘવજીભાઈ સુરાણી અને તેમના નાના ભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને મેયરની અત્યાર સુધીની સફર વિશે રસપ્રદ માહિતી આપી હતી.સપનામાં પણ નહોતું વિચાર્યું કે દીકરો મેયર બનશે: પિતા મહેશભાઈદીકરાના મેયર બનવા પર ખુશી વ્યક્ત કરતા પિતા મહેશભાઈ રાઘવજીભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, આ તેમના માટે ખૂબ જ આનંદની ક્ષણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય વિચાર્યું હતું કે તેમનો દીકરો મેયર બનશે, ત્યારે તેમણે સ્પષ્ટ નનૈયો ભણતા કહ્યું હતું કે ચૂંટણીમાં ફોર્મ ભર્યું ત્યારે પણ આવો કોઈ જ વિચાર ન હતો. દીકરાની આ સિદ્ધિથી તેઓ અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે.સામાજિક કાર્યોમાં સક્રિય અને ઉચ્ચ શિક્ષિત છે ઉત્તમ સુરાણીઉત્તમ સુરાણીના નાના ભાઈએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને પ્રથમ વખત જ ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 8 માંથી ચૂંટણી લડ્યા હતા. પ્રથમ પ્રયાસમાં જ મેયર બનવું એ તેમના પરિવાર માટે સૌભાગ્યની વાત છે. બંને ભાઈઓ વચ્ચે રામ-લક્ષ્મણની જોડી જેવો પ્રેમ છે. મેયરના શૈક્ષણિક લાયકાત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ઉત્તમ સુરાણીએ બીએસસી કેમેસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 2 વર્ષથી તેઓ યુપીએસસી (UPSC) ની તૈયારી કરી રહ્યા છે. તેઓ પરિવારમાં સૌથી વધુ શિક્ષિત છે. આ ઉપરાંત તેઓ આરએસએસ (RSS) સાથે જોડાયેલા છે અને બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ચોપડા વિતરણ જેવા સેવાકીય કાર્યોમાં હમેશા આગળ રહે છે.પિતા ચલાવે છે હેર સલૂન, દીકરો બન્યો ગુજરાતનો સૌથી યુવા મેયરતેમના વ્યવસાય અંગે માહિતી આપતા નાના ભાઈએ જણાવ્યું કે, પિતા સરદાર બાગ પાસે એક હેર સલૂન ચલાવે છે અને પરિવાર એ જ વ્યવસાય સાથે સંકળાયેલો છે. એક હેર સલૂન ચલાવનાર સામાન્ય પરિવારનો દીકરો આજે મેયર બન્યો છે. માત્ર 25 વર્ષની ઉંમરે, અપરિણીત એવા ઉત્તમ સુરાણી ગુજરાતના સૌથી યુવા મેયર બન્યા છે. નાના ભાઈએ આ ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણ માટે મોરબીની જનતા અને તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #MorbiNews #MorbiMayor #UttamSurani #YouthMayor #GujaratPolitics #BJP #Morbi #YoungestMayor