હળવદ, મોરબી, જેતપરને જોડતા મુખ્ય માર્ગ ઉપર ફલાય ઓવરના કોલમ ઉભા થયા બાદ લાંબા સમયથી કામગીરી બંધ થતા લોકોને હાલાકીમોરબી : સીરામીક નગરી મોરબીમાં સૌથી વધુ જ્યાં ટ્રાફિક રહે છે તેવી મહેન્દ્રનગર ચોકડીએ ફલાય ઓવર મંજુર થયા બાદ કામગીરી શરૂ કરી કોલમો પણ ઉભા કરી લેવાયા બાદ લાંબા સમયથી ફ્લાય ઓવરની કામગીરી અટકાવી દેવામાં આવતા લોકો માટે સુવિધાના સપના દુવિધાનું દુઃખ બન્યા છે. જો કે હાલમાં હળવદ- મોરબી હાઇવે ફોરટ્રેક બની રહ્યો હોય આ ફ્લાય ઓવરને હળવદ તરફ લંબાવવા માટેની મંજૂરી અટકેલી હોય કામગીરી બંધ હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.મોરબી -માળીયા હાઇવે ઉપરથી મહેન્દ્રનગર ચોકડીને જોડતા માર્ગ ઉપર અંદાજે 19 કરોડના ખર્ચે ફ્લાય ઓવર મંજુર કરવાંમાં આવ્યો છે, મજાની વાત તો એ છે કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહે છે તેવી આ મહેન્દ્રનગર ચોકડીથી જેતપર, હળવદ તરફ જતા માર્ગ ઉપર 365 દિવસ ટ્રાફિક સમસ્યા રહે છે અને આ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે જ મહેન્દ્રનગર ચોકડી ઉપર ફલાય ઓવરબ્રીજ માંજૂર કરાયો છે પરંતુ ફ્લાય ઓવરનું કામ ચાલુ થયા બાદ ચોમાસા વખતથી કામ બંધ કરી દેવાયું છે જેથી આવક જાવકના મુખ્ય રોડ બંધ થતા બંને બાજુ સર્વિસ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ થઈને વાહનચાલકો પરેશાન થઈ ગયા છે.હવે તો વાહનચાલકો અને સ્થાનિકોને સુવિધાના સપનાનુ સુખ, દુવિધા બનીને રહી ગયુ છે.બીજી તરફ મહેન્દ્રનગર ચોકડીના સ્થાનિક નાગરિક દિલીપ સુરાણીએ જણાવ્યુંય હતું કે, મહેન્દ્રનગર ફલાયઓવરની કામગીરી જોતા રોકેટ ગતિએ કામ કરવાની સરકારની વાતો પોકળ સાબિત થતી દેખાય છે. ગોકળ ગતિએ કામ કરવાનુ હતુ તો મુખ્ય રસ્તાઓ કેમ બંધ કરીને અગવડતાઓ ઊભી કરો છો તેવો સવાલ ઉઠાવી પ્રજાજનોની ધીરજના પારખા કરવાને બદલે લોકસભા ચૂંટણી પહેલા પ્રજાને અકળાવતી અસુવિધાનો પ્રશ્ન હલ કરવા માંગ ઉઠાવી હતી.દરમિયાન મહેન્દ્રનગર ચોકડીના ફ્લાય ઓવરના અટકેલા કામ અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેષભાઇ આદ્રોજાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, વર્ષ 2023માં 19 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવર નિર્માણકાર્યનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત હાલમાં હળવદ મોરબી હાઈવે ચારમાર્ગીય બની રહ્યો હોય હળવદ તરફના ભાગે આ ફ્લાય ઓવરને લંબાવવા માટે વધુ ચાર ગાળા વધારવા માટે સરકારની મંજૂરી મંગાવમાં આવી છે, જેને પગલે ચારેક માસથી કામગીરી બંધ હોવાનું જણાવી ભવિષ્યના ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવાના ઉદેશ્યથી જ ફ્લાય ઓવર લંબાવવા માટે મંજૂરી માંગવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.