તાલુકા શાળા નંબર 1ના CRC કૉ-ઑર્ડિનેટર એવા શૈલેષ કાલરીયાના 6 પુસ્તકો થયા છે પ્રકાશીત : વર્ષ 2017માં રાજ્ય કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પણ મળ્યું હતુંમોરબી : ગુજરાત રાજ્ય(રાજ્ય અને રાષ્ટ્રીય) એવૉર્ડી ટીચર્સ ફેડરેશન આયોજિત શૈક્ષણિક અધિવેશનમાં આનંદ નિકેતન સ્કૂલ ગાંધીનગર ખાતે રિવાબા જાડેજા - રાજ્ય કક્ષાના મંત્રી ગુજરાત સરકાર(પ્રાથમિક, માધ્યમિક, પૌઢ શિક્ષણ) તથા કુબેર ડીંડોર - પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર (પ્રાથમિક, માધ્યમિક, પૌઢ શિક્ષણ) તથા શિક્ષણવિદ અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરના હસ્તે સાહિત્ય સાધના પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખાસ ટી.એસ. જોષી- વાઇસ ચાન્સેલર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર તથા કમલ મંગલ - સ્થાપક આનંદ નિકેતન સ્કૂલ અમદાવાદ તથા વિવેક પટેલ - આનંદ નિકેતન સ્કૂલ અને શૈલેષ પટેલ તથા સંજય પટેલ (અનુક્રમે પ્રમુખ અને મહામંત્રી, ગુજરાત રાજ્ય(રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશનની પ્રેરક ઉપસ્થિતિમાં મોમેન્ટો, શિલ્ડ, પ્રમાણપત્ર , શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 2024ના વર્ષે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોનું સન્માન અને ST બસની ફ્રી મુસાફરીના પાસનું વિતરણ કરવામાં આવ્યું. તમામ વક્તાઓએ NEP-2020 મુજબ શિક્ષણ, શાળાઓ અને શિક્ષકની ફરજ વિશે મનન્ય વક્તવ્ય આપ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે શૈલેષ કાલરિયા મોરબીની તાલુકા શાળા નંબર 1 ના CRC કૉ-ઑર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે. તેઓને 2017માં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળેલ છે. શૈલેષ કાલરિયા'દોસ્ત'ના સ્વરચિત કુલ છ પુસ્તકો પ્રકાશિત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી ત્રણ બાળસાહિત્યના પુસ્તકો અને એક લઘુકથાના પુસ્તકનો સમાવેશ થાય છે. તેઓ કવિ સંમેલન અને સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરતા રહે છે. તેમની આ સાહિત્ય સેવા બદલ પારિતોષિક પ્રાપ્ત કરી શૈલેષ કાલરિયા'દોસ્ત'એ તેમના પરિવાર, વતન કેશવનગર(જીવાપર), સમગ્ર શિક્ષણ કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર મોરબી અને સાહિત્ય પરિવારનું ગૌરવ વધારેલ છે.