કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટી સિસ્ટમ વસાવવામાં નહીં આવે ત્યાં સુધી બિલ્ડિંગ સીલ રહેશે: ચીફ ફાયર ઓફિસર મોરબી: મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના જેલ રોડ પર આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્સને ફાયર સેફ્ટી સિસ્ટમના અભાવે સીલ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આ કોમ્પ્લેક્સને અગાઉ ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી, અને અંતમાં સીલિંગની નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે, આ નોટિસનો સમયગાળો પૂર્ણ થવા છતાં કોમ્પ્લેક્સ દ્વારા ફાયર સેફ્ટી સિસ્ટમ ન વસાવાતા, આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા વારંવાર નોટિસ મળવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી કે કોઈ લેખિત જવાબ પણ આપવામાં આવ્યો ન હતો. તેથી, આજે બિલ્ડિંગને સીલ કરવાની ફરજ પડી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટી સિસ્ટમ વસાવવામાં નહીં આવે ત્યાં સુધી બિલ્ડિંગ સીલ જ રહેશે.