આરટીઈ, પ્રવેશોત્સવ અને ગુણોત્સવ સહિતની કામગીરીમાં નોંધપાત્ર યોગદાન આપનાર કર્મઠ અધિકારીનું વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા સન્માન કરાયુંમોરબી : સરકારી સેવામાં ફરજ, બદલી અને નિવૃત્તિ એ એક અવિરત પ્રક્રિયા છે. મોરબી જિલ્લામાં વર્ષો સુધી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહત્વની જવાબદારીઓ નિભાવનાર કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા, તેમની સેવાઓને બિરદાવવા માટે એક ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.અશોકભાઈ વડાલીયાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કેળવણી નિરીક્ષક (શિક્ષણ અને વહીવટ), તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જેવા વિવિધ હોદ્દાઓ પર યશસ્વી ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેઓએ આર.ટી.ઈ. અને આધારકાર્ડ કીટના નોડલ અધિકારી તરીકે પણ અત્યંત સુવ્યવસ્થિત કામગીરી કરી હતી. કન્યા કેળવણી મહોત્સવ, પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને વિવિધ કોર્ટ કેસની કામગીરીમાં તેઓ નિષ્ણાંત અને વહીવટી સૂઝબૂઝ ધરાવતા અધિકારી તરીકે જાણીતા હતા. મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં તેમણે જુદા જુદા હોદ્દાઓ પર રહીને ફરજ પ્રત્યે કટિબદ્ધતા દાખવી છે.તેમની નિવૃત્તિ નિમિત્તે યોજાયેલા વિદાય સન્માન સમારોહમાં શિક્ષકોના તમામ સંગઠનના કાર્યકર્તાઓ, પે-સેન્ટર શાળાના તમામ આચાર્યો, વર્તમાન અને પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ મોરબી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કર્મવીરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ અશોકભાઈને સાકર પડો, નાળિયેર, શાલ, મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવી સન્માન કર્યું હતું.આ સન્માન કાર્યક્રમમાં નિલેશભાઈ કૈલા, મુકેશભાઈ મારવણીયા (જિલ્લા મહામંત્રી, મુખ્ય શિક્ષક સંઘ), દિનેશભાઈ વડસોલા (જિલ્લા અધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ), દિનેશભાઈ ગરચર, સી.સી. કાવર, અને ડો. જે.જી. વોરા (પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કરી અશોકભાઈ વડાલીયાની શિક્ષણ ક્ષેત્રે આપેલી સુદીર્ઘ સેવાને બિરદાવી હતી.કાર્યક્રમના અંતમાં અશોકભાઈ વડાલિયાએ પોતાની શૈક્ષણિક અને વહીવટી સફરમાં થયેલા અવનવા અનુભવો વર્ણવ્યા હતા. સાથે જ તેમણે પોતાની સાથે કામ કરનાર તમામ કર્મયોગીઓ, ઉપરી અધિકારીઓ તેમજ પોતાના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ તાલુકા શાળાના આચાર્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #EducationDepartment #RetirementFarewell #MorbiTeachers #GujaratEducation