'સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ' ઉક્તિ કરી સાર્થક: 111 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ A1 અને 21 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુંમોરબી: આજે જાહેર થયેલા HSC બોર્ડ સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લાની 'જિલ્લા શ્રેષ્ઠ શાળા એવોર્ડ' વિજેતા દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલે ઝળહળતી સફળતા મેળવી છે. ગુજરાત બોર્ડનું એકંદર પરિણામ 92.71% અને મોરબી જિલ્લાનું પરિણામ 96.23% રહ્યું છે, ત્યારે આ સરકારી શાળાએ 100% પરિણામ હાંસલ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 અને 2026 એમ સતત બીજા વર્ષે શાળાએ 100% પરિણામની પોતાની શાનદાર પરંપરા જાળવી રાખી છે.શાળામાં નોંધાયેલા કુલ 111 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ 111 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાંથી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 21 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી 'સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ' ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરી છે. શાળાના તેજસ્વી તારલાઓમાં કંઝારિયા રાહુલ કિશોરભાઈએ 99.69 PR, ડાભી ભાવિન વિનોદભાઈએ 99.18 PR અને હડિયલ લક્ષ્મીબેન અવચરભાઈએ 99.08 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા બદલ શાળાના પ્રમુખ અનિલભાઈ મહેતા અને આચાર્ય ભરતભાઈ ગોપાણી (બી. ડી. ગોપાણી) દ્વારા તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આચાર્ય ભરતભાઈ ગોપાણીએ આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે સુચારૂ આયોજન, સમગ્ર વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન તેમજ પેપર લખવાની પ્રેક્ટિસથી જ આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહઅભ્યાસક પ્રવૃતિઓમાં 'શ્રેષ્ઠ શાળા' તરીકેની ઓળખ ધરાવતી આ શાળા બોર્ડના પરિણામની બાબતમાં પણ પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં સફળ રહી છે.#Morbi #MorbiUpdate #HSCResults #DoshiHighSchool #MorbiNews #GujaratBoard #100PercentResult #Education #MorbiStudents #ProudMorbi